Mon Oct 05 2026

Logo

શરદ પવારે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર: ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા 9 મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માંગ

2026-09-18 17:09:00
Author: Mumbai Samachar Team
શરદ પવારે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર: ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા 9 મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માંગ

મુંબઈ: મરાઠા અનામત મુદ્દે સરકારને હજુ માંડ રાહત મળી છે ત્યારે હવે ખેડૂતોના પ્રશ્ન મુદ્દે એનસીપી (એસપી)એ મુખ્ય પ્રધાનને પત્ર લખીને તેમની સમસ્યાનો ઉકેલવાની માગણી કરી છે. મહારાષ્ટ્રમાં વરસાદની લાંબી ખેંચ અને અછતના કારણે ખેડૂતો સામે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NCP-SPના પ્રમુખ શરદ પવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં પાક સુકાઈ રહ્યો છે અને ખેતી સાથે પશુધન પણ સંકટમાં છે. આ ગંભીર સ્થિતિમાંથી ખેડૂતોને બહાર લાવવા માટે પવારે દુષ્કાળ જાહેર કરવા, પ્રતિ હેક્ટર આર્થિક સહાય, કૃષિ લોન માફી અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા સહિતના 9 મહત્વના મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. 

શરદ પવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર આ અંગે માહિતી આપી છે અને પત્રની તસવીર પણ શેર કરી છે. પત્રમાં તેમણે મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક સુધારાત્મક પગલાં લાગુ કરવાની માંગ કરી છે. જોકે, આ મામલે હજુ સુધી દેવેન્દ્ર ફડણવીસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

નોંધનીય છે કે પવારની આ પોસ્ટ રાજ્ય કેબિનેટની મંગળવારે મળેલી બેઠક બાદ આવી છે. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મહેસૂલ અને કૃષિ વિભાગે માહિતી આપી હતી કે રાજ્યના 19 જિલ્લાઓના 83 તાલુકાઓમાં 20 દિવસથી વધુ સમયથી વરસાદ થયો નથી.

વરસાદની અછતથી ખેડૂતો પર સંકટ
શરદ પવારે જણાવ્યું હતું કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન થવાના કારણે ખેડૂત સમુદાય સામે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સોયાબીન, કપાસ, બાજરી, મકાઈ, તુવેર, મગ અને અડદ જેવા પાક વરસાદની અછતને કારણે સુકાઈ રહ્યા છે. આ ઉપરાંત પાકમાં જીવાતો અને રોગચાળો પણ વધી રહ્યો છે. જેના કારણે ખેતીની સાથે પીવાના પાણી અને પશુઓ માટેના ઘાસચારાની સમસ્યા પણ ગંભીર બની શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પવારે 9 મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

દુષ્કાળગ્રસ્ત તાલુકા જાહેર કરવાની માંગ
પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે પ્રથમ માંગ કરી છે કે ઔપચારિક પ્રક્રિયામાં વિલંબ કર્યા વિના સૌથી વધુ અસરગ્રસ્ત તાલુકાઓની ઓળખ કરીને તેમને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. બીજા મુદ્દે તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની માંગ કરી છે. સાથે જ ભૂમિહીન ખેતમજૂર પરિવારોને 25,000 રૂપિયાની મદદ આપવાની પણ માંગ કરવામાં આવી છે. 

ત્રીજા મુદ્દે પવારે સંકટમાં ફસાયેલા ખેડૂતો માટે તાત્કાલિક કૃષિ લોન માફીની યોજના લાગુ કરવાની માંગ કરી છે. નિયમિત રીતે લોનની ચુકવણી કરતા ખેડૂતો માટે આપવામાં આવતી પ્રોત્સાહક સબસિડી 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી છે.

પાક વીમા યોજનાનો લાભ આપવાની માંગ
ચોથા મુદ્દે શરદ પવારે અસરગ્રસ્ત ખેડૂતોને પાક વીમાનું કવરેજ મળે તે માટે એક રૂપિયાવાળી પાક વીમા યોજના પૂર્વવર્તી અસરથી લાગુ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ગયા વર્ષે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે જાહેર કરાયેલ 17,000 રૂપિયા પ્રતિ હેક્ટરનું પાક વીમા વળતર ખેડૂતોને ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે.

પાંચમા મુદ્દે પવારે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં રોજગાર ગેરંટી યોજના હેઠળ કૃષિ, જળસંરક્ષણ અને અન્ય જરૂરી કામો શરૂ કરવાની માંગ કરી છે. ફળોના બગીચાઓને બચાવવા માટે જરૂરિયાત મુજબ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થાની માગ 
પવારે અસરગ્રસ્ત વિસ્તારોમાં માંગ પ્રમાણે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. પશુઓ માટે ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવા તેમજ પીવાનું પાણી અને જરૂરી પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. તેમણે આગળ લખ્યું હતું કે દુષ્કાળ દરમિયાન વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે ઊર્જા વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવાની માંગ પણ પવારે કરી છે, જેથી વીજ ટ્રાન્સફોર્મરની મરામત સમયસર થઈ શકે.

કંટ્રોલ રૂમ બનાવવાની માંગ
શરદ પવારે રાજ્ય સરકાર પાસે રાજ્ય અને જિલ્લાસ્તરે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાની પણ માંગ કરી છે. આ કંટ્રોલ રૂમ દ્વારા દરરોજ વરસાદની સ્થિતિ, પાકની સ્થિતિ, પાણીની અછત, ઘાસચારાની ઉપલબ્ધતા અને પશુઓના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

આ ઉપરાંત દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ફી તેમ જ સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવાની માંગ પણ કરવામાં આવી છે. પવારે પોતાના અંતમાં લખ્યું છે કે ખેડૂતો, ખેતમજૂરો, પશુઓ અને ગ્રામીણ જીવન સામે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાને ઉપરોક્ત માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેશે અને તાત્કાલિક રાહતના પગલાં અમલમાં મૂકશે તેવી અપેક્ષા છે.