ડૅકાર (સેનેગલ): બરાબર બે મહિના પહેલાં (18મી જાન્યુઆરીએ) આફ્રિકા કપ ઑફ નૅશન્સ નામની ફૂટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સેનેગલે મોરોક્કોને 1-0થી પરાજિત કરીને ટાઇટલ જીતી લીધું હતું અને ચૅમ્પિયન ટીમને 10 મિલિયન ડૉલર (અંદાજે 93 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળ્યું હતું, પરંતુ એ ફાઇનલમાં સેનેગલની ટીમે જે ધમાલ કરી હતી એ બનાવની તપાસ થઈ હતી અને ક્નફીડરેશન ઑફ આફ્રિકન ફૂટબૉલ નામની સંસ્થાએ જાહેર કર્યું છે કે સેનેગલ (Senegal) પાસેથી ટાઇટલ પાછું લઈને રનર-અપ ટીમ મોરોક્કો (Morocco)ને આપી દેવામાં આવ્યું છે. મોરોક્કો 49 વર્ષે ફરી એક વાર આ સ્પર્ધાનું વિજેતા બન્યું છે.
બન્યું એવું કે સેનેગલ-મોરોક્કોની ફાઇનલમાં છેક સુધી (ફુલ ટાઇમ સુધી) બન્નેમાંથી એક પણ ટીમ ગોલ નહોતી કરી શકી, પરંતુ એક્સ્ટ્રા-ટાઇમમાં સેનેગલના પેપ ગ્વેયાએ જે ગોલ કર્યો હતો એની મદદથી સેનેગલે એ ફાઇનલમાં 1-0થી સરસાઈ લીધી હતી અને એ ટીમ જીતવાની તૈયારીમાં જ હતી. જોકે રેફરીએ સ્ટૉપેજ-ટાઇમમાં મોરોક્કોની ટીમને એક વિવાદાસ્પદ સ્થિતિમાં પેનલ્ટી આપી હતી જેને લીધે મોરોક્કોને ગોલ કરવાની તક મળી હતી.
રેફરીના એ નિર્ણય સામેના વિરોધમાં સેનેગલની ટીમ મેદાન છોડી ગઈ હતી. 17 મિનિટ સુધીનો સમય બગડ્યો હતો અને સાડિયૉ માને નામના સેનેગલના ખેલાડીએ પોતાની ટીમને ફરી રમવા આવવા સમજાવી હતી અને તેઓ પાછા આવ્યા બાદ છેવટે 1-0થી જીતી ગયા હતા. જોકે ફેડરેશને મંગળવારે ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ સ્પર્ધાની 82 નંબરના નિયમમાં જણાવાયું છે કે `જો કોઈ ટીમ મૅચ ચાલુ હોય અને અંત આવે એ પહેલાં કોઈ કારણસર રમવાની ના પાડે અથવા રેફરીની મંજૂરી વગર મેદાન છોડી જાય તો એ ટીમ પરાજિત જાહેર થાય અને ટૂર્નામેન્ટમાંથી એને બહાર કરી દેવામાં આવે. આ બહાર કરી દેવાયેલી ટીમ 0-3થી પરાજિત થયેલી પણ ગણાય.'
એ જોતાં મોરોક્કોને ફાઇનલમાં 3-0થી વિજેતા થયેલી ટીમ તરીકે ઘોષિત કરવામાં આવી છે. મોરોક્કોના ફૂટબૉલ ફેડરેશને જ સેનેગલ સામે પગલું ભરવા અપીલ કરી હતી જેનો બે મહિને ચૂકાદો આવ્યો છે. સેનેગલની ટીમે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)નો સંપર્ક કરશે અને ટાઇટલ પાછું મેળવવા અપીલ કરશે. દરમ્યાન, સેનેગલનું ફૂટબૉલ ફેડરેશન પોતાની ટીમને મળેલી 10 મિલિયન ડૉલર (અંદાજે 93 કરોડ રૂપિયા)ની સર્વોત્તમ પ્રાઇઝ-મની પાછી આપવાના મૂડમાં નથી એવું જાણવા મળ્યું છે.