Tue Aug 18 2026

Logo

સૌરાષ્ટ્રના દરિયામાં તોફાનના એંધાણ! કાંઠે 3 નંબરનું સિગ્નલ, માછીમારો માટે મોટી સૂચના

2026-08-01 18:48:35
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દિવસના સમયે જાણે હિલ સ્ટેશન પર હોઈએ એવો માહોલ જોવા મળે છે. શુક્રવારે રાત્રથી સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળતા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ફિશરિઝ વિભાગે તમામ માછીમારોને દરિયમાંથી બોટ સાથે પરત બોલાવી લીઘા છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયો વધુ તોફાની બની શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના અનેક કાંઠાળા જિલ્લામાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાની શાળા-કૉલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વેરાવળ, જાફરાબાદ, માંગરોળ, પોરબંદર, ભાવનગર, જામનગર સહિતના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. 

માછીમારોને સૂચના
બીચ પર જવાથી અને દરિયા કિનારાથી દૂર રહેવાની લોકોને ચેતવણી આપવામાં આવી છે. જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. શનિવારથી આવનારા 24 કલાક સુધી જાફરાબાદમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. જાનમાલની નુકસાની ન થાય એ મુદ્દાને ધ્યાને લઈને પગલાં લેવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગે માથીમારોને ખાસ અપીલ કરતા કોઈ સંજોગોમાં દરિયો ન ખેડવા માટેની સલાહ આપી છે.બોટને દરિયામાં ન લઈ જવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. વેરાવળમાં દરિયાકિનારે પણ ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ આસપાસના માછીમારાને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાંથી મોટાભાગની બોટને પરત બોલાવી લેવામાં આવી છે. બંદરે લાંગરેલી બોટને મજબૂત દોરીથી બાંધવા માટે કહેવામાં આવ્યું છે. 

મસમોટા મોજા ઊછળ્યા
આ સિવાય બંદર અને દરિયા કિનારાના જિલ્લાઓમાં દરિયાની આસપાસ બિનજરૂરી અવરજવર ન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા રાજ્યના તમામ માછીમારો અને બોટ એસો. માટે અતિમહત્ત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. મુખ્ય બંદરો અને નાના બંદરો પર તથા તેની આસપાસના વિસ્તારમાં કોઈ પ્રકારે અવરજવર ન થાય તે એ માટે જિલ્લા વહીવટીં તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે. બંદર વિસ્તારમાં પ્રતિબંધ રહેશે એવી સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં શનિવારે પણ 1થી 4 ઈંચ વરસાદ થયો હતો.રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે ઝાપટા પડ્યા હતા. જ્યારે કાંઠાળા જિલ્લાઓ જેમ કે, જામનગર, સોમનાથ, વેરાવળ, માંગરોળ, પોરબંદર, ભાવનગરના કિનારે મસમોટા મોજા ઊછળ્યા હતા.