Mon Oct 05 2026

Logo

આઈપીએલ વચ્ચે સંજુ સેમસનને આઈસીસીએ આપ્યો મોટો એવોર્ડ, બુમરાહ પણ હતો રેસમાં

2026-04-14 15:03:00
Author: Mayur Patel
આઈપીએલ વચ્ચે સંજુ સેમસનને આઈસીસીએ આપ્યો મોટો એવોર્ડ, બુમરાહ પણ હતો રેસમાં

નવી દિલ્હીઃ ભારતના વિસ્ફોટક બેટ્સમેન અને વિકેટકિપર સંજુ સેમસનની આઈસીસી મેંસ ટી20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન માટે માર્ચ મહિનાના આઈસીસી મેંસ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કૉનર એસ્ટરહુઈઝનને પાછળ રાખીને આ ખિતાબ જીત્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ધમાકેદાર બેટિંગ કરીને તેણે ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 

સંજુ સેમસને કહ્યું કે, આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતવો એક શાનદાર અનુભવ છે. ટીમ ઈન્ડિયાની ટી20 વર્લ્ડ કપ જીતમાં ભૂમિકા ભજવવી મારા માટે સપનું સાકાર થવા જેવું હતું. તેણે ટીમના સાથીઓ અને કોચિંગ સ્ટાફ દ્વારા મૂકવામાં આવેલા ભરોસા અને સમર્થન માટે આભાર માન્યો હતો. 

સેમસનની જીત સાથે છેલ્લા પાંચ મહિનામાં અલગ અલગ દેશોના ખેલાડીઓએ આ ખિતાબ જીત્યો છે. આ લિસ્ટમાં દક્ષિણ આફ્રિકાના સાઈમન હાર્મર, ઑસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, ન્યૂ ઝીલેન્ડના ડેરિલ મિચેલ, પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન સામેલ છે.

ટી20 ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં સંજુ ભારતીય પ્લેઈંગ ઈલેવનનો નિયમિત હિસ્સો નહોતો, પરંતુ સુપર 8ના 'કરો યા મરો' જેવા મુકાબલાઓ માટે તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે 24 રનની ઇનિંગથી શરૂઆત કર્યા બાદ સેમસને ગજબની લય પકડી અને પછી પાછળ ફરીને જોયું નહોતું. 

1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે સેમસન માત્ર 3 રનથી સદી ચૂક્યો હતો. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે તેમણે 89 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેની મદદથી ભારતે 253/7નો વિશાળ સ્કોર ઊભો કર્યો અને આ મુકાબલો 7 રનથી જીત્યો હતો. ન્યૂ ઝીલેન્ડ સામે પણ 89 રન બનાવ્યા હતા. આ રીતે આઈસીસી ટુર્નામેન્ટમાં નોકઆઉટમાં તેણ સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. આ કારણે તેને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. માત્ર માર્ચ મહિનામાં જ સંજુએ 137.50ની એવરેજ અને 199.27ના સ્ટ્રાઈક રેટથી 275 રન બનાવ્યા હતા.