Fri Sep 04 2026

Logo

સામખિયાળી-ભચાઉ ફોર ટ્રેક રેલવે લાઈન તૈયાર, DRMનું અંતિમ નિરીક્ષણ શરુ

2026-08-01 13:42:00
Author: Mumbai Samachar Team
સામખિયાળી-ભચાઉ ફોર ટ્રેક રેલવે લાઈન તૈયાર, DRMનું અંતિમ નિરીક્ષણ શરુ

ભુજઃ  કચ્છના કંડલા અને મુંદરા જેવા મહાબંદરોને કારણે પશ્ચિમ રેલવેમાં સર્વાધિક માલ-ભાડાની આવક રળી આપતા કચ્છ ક્ષેત્રમાં રેલવે વિભાગ દ્વારા માળખાકીય સુવિધાઓનો મોટો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સામખિયાળીથી ગાંધીધામ સુધીના ફોર-ટ્રેક (ચાર રેલ લાઈન) પ્રકલ્પ પૈકી સામખિયાળીથી ભચાઉ સુધી ત્રીજી અને ચોથી લાઈનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. સફળ એન્જિન ટ્રાયલ બાદ આજે અમદાવાદના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદપ્રકાશ દ્વારા આ ટ્રેકનું સત્તાવાર આખરી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

આ મહત્વકાંક્ષી પ્રકલ્પ હેઠળ કુલ ૩૨.૯૦ કિલોમીટર લંબાઈમાં નવી રેલ લાઈન વિકસાવવામાં આવી છે, જેમાં ૧૬.૩૯૮ કિમી ડાઉન લાઈન અને ૧૬.૫૦૨ કિમી અપ લાઈનનો સમાવેશ થાય છે. ભૌગોલિક પડકારો વચ્ચે રેલવે દ્વારા ૬.૨૫ લાખ ઘનમીટર અર્થવર્ક, ૧.૨૭ લાખ ઘનમીટર બ્લેન્કેટિંગ અને ૦.૯૬ લાખ ઘનમીટર બેલાસ્ટ (કાંકરી) પાથરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભારે રેલ ટ્રાફિકને પહોંચી વળવા માટે ૪ મોટા અને ૨૫ નાના પુલનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત સામખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરાયું છે તેમજ ચાર લાઈનને અનુરૂપ ૯ લેવલ ક્રોસિંગનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદપ્રકાશે જણાવ્યું હતું કે, સામખિયાળી-ભચાઉ સેક્શન કચ્છના ઔદ્યોગિક વિસ્તારો તેમજ બંદરોને દેશના મુખ્ય રેલ નેટવર્ક સાથે જોડતો અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ છે. ભુજ, ગાંધીધામ અને વાયોરથી થતાં મોટા પાયાના માલપરિવહનને કારણે આ રૂટ પર અમદાવાદ મંડળનું સૌથી વધુ માલ-સામાન ટ્રાન્સપોર્ટ થાય છે. લાઈનોના ફોર-ટ્રેકિંગથી આ ક્ષેત્રની ટ્રેન સંચાલન ક્ષમતા વધશે અને ટ્રેનોનું આવન-જાવન વધુ સુરક્ષિત, સમયબદ્ધ તથા ઝડપી બનશે.

સુરક્ષા મંજૂરીઓ, આખરી નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલની તમામ જરૂરી ઔપચારિકતાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરી ટૂંક સમયમાં જ આ નવો રેલ માર્ગ વાણિજ્યિક ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. 

(ઉત્સવ વૈદ્ય)