ભજનનો પ્રસાદઃ
ડૉ. બળવંત જાની
રવિસાહેબના શિષ્ય લાલસાહેબનું જન્મવર્ષ ઈ.સ.1741 પાટણ અને સમાધી વર્ષ ઈ.સ.183પ પાટણ મધ્યે, પોતાના આશ્રમમાં જ. પણ લાલસાહેબે યાત્રા-વિહાર ખૂબ કરેલા. ડીસાના અમારા મિત્ર કનુભાઈ આચાર્યે રવિ-ભાણ પરંપરાના લોહાણા જ્ઞાતિના સંતોના જીવન-કવન વિશે ખૂબ વિગતો એકત્ર કરી છે. એમણે લાલસાહેબના જીવનની ધણી કિંવદંતીઓ કંઠસ્થ પરંપરામાંથી મેળવીને આલેખી છે.
એક વખત શિષ્ય-સંતવૃંદ સાથે મારવાડની યાત્રાએ નીકળેલા, એક ગામડું રસ્તામાં આવ્યું. એના પાદરમાં એક નાનકડી ઝૂંપડીમાં એક રોગીષ્ટનો કણસવાનો અવાજ-ચીસો પીડાની વેદનામાં સૂર સાંભળીને અંદર ગયા. કોઈ કુટુંબીજનો પણ આજુબાજુ અવલોકવા ન મળ્યા.પથારીની બાજુમાં રોટલાના ટુકડાઓ અને પાણીનું રામૈયું. લાલસાહેબે વૃદ્ધને બેઠા કરીને ખોળામાં માથું રાખીને જમાડ્યો-પાણી પાયું કુષ્ટ રોગીની સારવાર કરવા રોકાઈ ગયા.
બે-એક અઠવાડિયા સુધી લીંબડાનું પાણી ઉકાળીને એનાથી સ્નાન કરાવે. શરીરના ચાંઠા-ઘાને લૂ છે. કુષ્ટરોગીને ઘરના પણ ત્યજી દે એ સમયમાં એની સેવા કરનારા રવિ-ભાણ પરંપરાના સંતશ્રી લાલસાહેબને આદ્ય ગણવાના રહે. દેવીદાસના શિષ્યા અમરબાઈ પણ ઈ.સ.172પ થી 1800 આસપાસના. લેપ્રસી-કુષ્ટરોગીની સારવારનું પ્રથમ સેવા કાર્ય આ સંતોનું પણ વિશ્વ તો બહુ મોડેથી વીસમી સદીમાં સેવાક્ષેત્રમાં વળેલા મધર ટેરેસાને જ એ માન અર્પે છે. લાલસાહેબે કુષ્ટરોગીને રોગ મુક્ત કરેલો.
મારવાડમાં યાત્રા દરમ્યાન ચોર લોકો લાલસાહેબનું ઊંટ ચોરી ગયેલા. સંત મંડળી ચિંતીત થઈ ગઈ. લાલસાહેબે નોંધારાના આધાર નામનો આરાધ ગાયો અને વાતાવરણ બદલાયું. વાવાઝોડું એવું જામ્યું કે ચોર લોકોએ જયાં ઊંટને સંતાડેલ એ છાપરું ઊડી ગયું. ઊંટ ગાંગર્યું.
ચોર લોકોએ ઊંટને લાલસાહેબ સમક્ષ લાવ્યા. ક્ષમા માગી અને એમનું જીવન પલટાઈ ગયું. સત્સંગી બની ગયા. એમના બોધ-ઉપદેશથી એમના વ્યક્તિત્વથી બહુ મોટો સમાજ એમના વરાયે ઊંડી આસ્થા ધરાવતો હતો. લાલસાહેબની સાધનાની ભૂમિકાની અનુભૂતિનું એક પદ આસ્વાદીએ-
સદ્ગુરુ મેરા સર ધણી, સત નામ સૂણાયો. ...ટેક
લગી હે ચોટ શબદકી, ભાંગ્યાં કરમકા તાળાં,
તિમિર અંધારાં મિટ ગયાં, હૂવા અનભે અંજવાળાં.. ...1
તખત ત્રિવેણી તીરમાં, ગુરુ અનભે જ્ઞાન બતાયા,
હંસે હીરા પરખીયા, દીપક દિયા જલાયા.. ...2
અકલ સરૂપી આપ હો, સોહં સકલ સમાયા,
અલખ નિરંજન ઉરમેં, ઘટ ભીતરી હી પાયા.. ...3
ગગન ગુફામાં રવિ ગુરુ મિલિયા, દરશમેં દરશાયા,
સૂરજ ઊગિયા શૂનમાં, પિયુજી મંદિર પાયા.. ...4
મહેર કરી તૂમ દરશન દીના, સુખ સંપત સબ પાયા,
લાલદાસ કહે રંગ મહેલમાં, મેં તેરા જશ ગાયા.. ...પ
સદ્ગુરુ રવિસાહેબ કૃપાથી લાલસાહેબે અગમ અનુભૂતિ, અધ્યાત્મવિદ્યાના વિવિધ અનુભવને પ્રાપ્ત કરેલા. એમને છંદ, દુહા, ચોપાઈ બંધની અભિવ્યક્તિ સહજ સિદ્ધ હતી.ભજન ઢાળમાં ભજનો રચ્યા છે એમ સાધુકડી પદાવલિમાં પણ રચેલું પદ અહીં ઉદાહૃત છે.
લાલસાહેબ કહે છે કે સદ્ગુરુ મારા અધિપતિ છે. એમણે સત્ નામ સંભળાવ્યું. ગુરુમંત્ર આપ્યો. એ શબ્દ-નામજાપથી એવી ચોટ-અસર થઈ કે મારો આ જગત વિશેનો ભ્રમ ભાંગી ગયો. અભયપણું લાધ્યું. અંધકાર-અજ્ઞાન દૂર થયું તખત ત્રિવેણી અર્થાત્ ત્રણેય નાડી સ્થિર થાય એટલે એ સ્થાને લલાટમાં સુરતાની અનુભૂતિથી જયોત-અજવાળું દૈદિપ્યમાન તેજનું દર્શન થાય. આત્મતત્ત્વની ઓળખ થાય.
ગુરુ પોતે જ અકળ સ્વરૂપે સોહમ્ રૂપે સમાવિષ્ટ છે. આ પીંડમાં-ગગનગુફામાં-ગગનમંડળમાં બિરાજતા પરબ્રહ્મને પામી શકાય. શૂન્ય શિખરમાં એનો મેળાપ ગુરુ કૃપાએ થાય છે. આ કાયા-શરીર-પાંચ તત્ત્વથી નિર્માણ પામેલું છે. એના નવા દ્વારા જે બાહ્ય દેખાય છે. એના ઉપર ઈન્દ્રીઓનું શાસન છે. વાસનાબદ્ધ છે, પરંતુ ગુરુકૃપાથી દશમું દ્વાર બ્રહ્મરંધ કે જયાં નિરંજન નિરાકારનું સ્થાનક છે એના દર્શન થાય. પરંતુ ગુરુકૃપાએ જ ષટચક્રભેદની સાધના કે ઉલટ-પલટની સાધના અર્થાત્ મનને ઉલટાવવાની અને પવનને-શ્વાસને-પલટાવવાની ક્રિયાથી-ગુરુની કૃપાથી એ સાધનાના બળે સુખ-સંપતિ એવું બધું મળી શકે.
અતિ અકળ-નિરાકાર પરબ્રહ્મને પામવાની સાધનાધારાનું ભારે બળકટ મનોભૂમિકાનું નિરૂપણ કરવાની, પ્રતીતિકર રીતે પમાડવાની લાલસાહેબની પ્રતિભાશક્તિ અહીં પદ-ભજનમાં નિહિત છે. એટલે જ સદ્ગુરુ મેરા સર ધણી એવું પોકારી-પોકારીને ગાય છે. રવિસાહેબની યોગક્રિયાની, સાધનાધારાની શક્તિપાતની ક્રિયાની અનુભૂતિને રસળતી પદાવલિમાં લાલસાહેબે અહીં સમજાવી છે.