Tue Oct 06 2026

Logo

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો:  બાંગ્લાદેશી સામે ખટલો ચલાવવામાં આવશે

2026-09-11 19:47:44
Author: Yogesh D. Patel
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો:  બાંગ્લાદેશી સામે ખટલો ચલાવવામાં આવશે

આરોપ સ્વીકારવાની તૈયારી દાખવતી તેની અરજી કોર્ટે ફગાવી

મુંબઈ: જાન્યુઆરી, 2025માં ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર તેના બાંદ્રાના નિવાસસ્થાને ચાકુથી હુમલો કરવા બદલ પકડાયેલા બાંંગ્લાદેશી નાગરિકે આરોપ સ્વીકારવાની તૈયારી દાખવતી કરેલી અરજી શુક્રવારે કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી સામે ખટલો ચલાવવામાં આવશે.

બાંદ્રા વિસ્તારમાં ઇમારતના 12મા માળે આવેલા ફ્લેટમાં 16 જાન્યુઆરી, 2025ના રોજ સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના બે દિવસ બાદ આરોપી મોહંમદ શરીફુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે.

કોર્ટે ગયા મહિનાની શરૂઆતમાં આરોપી મોહંમદ શરીફુલ સામે આરોપ ઘડ્યા હતા. આરોપીએ બાદમાં કોર્ટમાં અરજી કરી હતી અને આરોપ સ્વીકારવાની તૈયારી દાખવી હતી અને કોર્ટ પાસે દયાની માગણી કરી હતી. જોકે એડિશનલ સેશન્સ જજ જી.પી. દેશમુખે તેની વિનંતી સ્વીકારી નહોતી અને તેની વિરુદ્ધ ખટલો ચાલશે એમ જણાવ્યું હતું. કોર્ટે પુરાવાની નોંધણી માટે સુનાવણી 24 સપ્ટેમ્બર પર મોકૂફ રાખી હતી.

આરોપી મોહંમદ શરીફુલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ફોરેર્ન્સ એક્ટ અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) નિયમોની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શરીફુલે ચાકુથી કરેલા હુમલામાં ઘવાયેલા 56 વર્ષના અભિનેતાને લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના પર ઇમર્જન્સી સર્જરી કરવામાં આવી હતી અને સર્જરીના પાંચ દિવસ બાદ તેને ડિસ્ચાર્જ કરાયો હતો. (પીટીઆઇ)