Tue Aug 25 2026

Logo

સાબરકાંઠાના વલસાડી ગામ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

2026-04-23 19:58:37
Author: Devayat Khatana
સાબરકાંઠાના વલસાડી ગામ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

સાબરકાંઠા:
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વલસાડી ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 

પોશીના પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને મળેલી ખાનગી બાતમીને આધારે વલસાડી ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન રાજસ્થાનના વેરાકાતરા ગામ તરફથી આવતી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની જીપને આંતરીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે જીપમાંથી કુલ 936 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે, જેની કિંમત અંદાજે રૂ. 2,02,080 થાય છે. આ કાર્યવાહીમાં પોલીસે દારૂના જથ્થા સાથે રૂ. 1,50,000ની જીપ મળી કુલ રૂ. 3,52,080નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ કેસમાં પોલીસે જીપચાલક લક્ષ્મણભાઈ ધર્માભાઈ પરમાર (રહે. બેડી, પોશીના)ની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.