Wed Aug 19 2026

Logo

રશિયાનો યુક્રેન પર ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલો: 8 નાગરિકોના મોત, 50થી વધુ ઘાયલ

Kiev   2026-07-30 17:59:09
Author: Mumbai Samachar Team
Article Image

કીવઃ રશિયાએ યુક્રેન પર બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલામાં બાળકો સહિત આઠ નાગરિકોના મોત થયા હતા. જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ હુમલા યુક્રેનના અનેક વિસ્તારોમાં થયા હતા. જેમાં પોલેન્ડની સરહદ નજીકના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારો દેશના પૂર્વ ભાગમાં ફ્રન્ટ લાઇનથી દૂર આવેલા છે. તેમજ માનવામાં આવે છે કે અહીં યુક્રેન રશિયાના ચાર વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલા હુમલાઓ સામે લડવા માટે હથિયારનો સંગ્રહ અને ઉત્પાદન કરે છે.

યુક્રેનના લાંબા અંતરના ડ્રોન અને મિસાઇલોએ રશિયાના તેલ ક્ષેત્રને ગંભીર અસર પહોંચાડી છે. પરિણામે ઇંધણ સંકટ સર્જાયું છે. આ હુમલો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન સંરક્ષણ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કર્યાના બે દિવસ પછી થયો છે. તેમણે પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમનો ઝડપી અને વધુ સપ્લાયનો આગ્રહ કર્યો હતો. જે રશિયાના બેલિસ્ટિક હુમલાઓને રોકવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે.

ઈરાન યુદ્ધને કારણે અમેરિકન બનાવટના ઇન્ટરસેપ્ટરનો સ્ટોક ખતમ થઇ ગયો છે. ટ્રમ્પે યુક્રેનને તેમના પેટ્રિઅટ બનાવવા માટે લાઇસન્સ આપવાનું વચન આપ્યું છે, પરંતુ તેનું ઉત્પાદન શરૂ કરવામાં ઘણો સમય લાગી શકે છે. 

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અમારા સાથી દેશો તરફથી હવાઇ સંરક્ષણ મિસાઇલોની ભારે અછત હોવા છતાં અમારા સૈનિકો ખરેખર અવિશ્વસનીય કામ કરી રહ્યા છે. તેઓ ખૂબ ઉચ્ચ સ્તરની વ્યાવસાયિકતા દર્શાવી રહ્યા છે.