(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાઓ અટકાવવાનો નિર્ણય લીધો હોવાના નિર્દેશો સાથે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં પણ નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત છઠ્ઠા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં આગેકૂચ જળવાઈ રહી હતી અને વધુ 12 પૈસાના સુધારા સાથે 95.31ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ સુધારો આગળ ધપ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે જાહેર થયેલો ગત જુલાઈ મહિનાના ઉત્પાદનનો એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ ઈન્ડેક્સ આગલા જૂન મહિનાના 54.2 સામે ઘટીને પાંચ વર્ષની લાંબાગાળાની સૌથી નીચી 53.5ની સપાટીએ રહ્યો હોવાના નિરુત્સાહી અહેવાલે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.43ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.15ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.34 અને ઉપરમાં 95.11 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે 12 પૈસાના સુધારા સાથે 95.31ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હતો.
ગત રવિવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અગાઉ ઈરાન પર બીજા વિશ્વ યુદ્ધ પછીનો સૌથી મોટો હુમલો કરવાની યોજના હતી, પરંતુ આ યોજના પડતી મૂકવામાં આવી છે. આમ ટ્રમ્પે હુમલાની યોજના પડતી મૂકતાં આજે ક્રૂડતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની સાથે ઈક્વિટી માર્કેટમાં પણ સુધારો જોવા મળતાં રૂપિયાની આગેકૂચને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે જોખમી પરિબળો ઘટતાં અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 94.90થી 95.50 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.07 ટકા ઘટીને 99.84 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 5.06 ટકા ઘટીને બેરલદીઠ 83.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 544.39 પૉઈન્ટનો અને 390.70 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 277.48 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.