(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હોવાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં આગેકૂચ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગાબડા પડવાની સાથે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 6030.28 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 46 પૈસાના કડાકા સાથે 92.28ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 91.82ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 92.22ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.35 અને ઉપરમાં 92.15ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 46 પૈસાના કડાકા સાથે 92.28ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 18 પૈસા તૂટ્યો હતો.
આજે વૈશ્વિક બજારમાં ભૂરાજકીય તણાવમાં વધારો થવાની સાથે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 25 ટકાના તોતિંગ ઉછાળા સાથે ખૂલ્યા હતા. તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશો સાથે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.
જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો નીચા મથાળેથી ડૉલરમાં વેચવાલી રહેતાં અમુક અંશે ટેકો રૂપિયાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ 92થી 92.80 આસપાસની રહી શકે છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું હોવાથી ભાવ આગલા બંધ સામે 15.18 ટકા વધીને બેરલદીઠ 106.80 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.35 ટકા વધીને 99.33 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો,
જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં આગલા બંધ સામે અનુક્રમે 1352.74 પૉઈન્ટ અને 422.40 પૉઈન્ટનો કડાકો બોલાયો હોવાથી ગબડતાં રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.