Wed Aug 26 2026

Logo

એપ્રિલ ફૂલ નહીં, પણ એપ્રિલ 'ભારે' પડશે એ ચોક્કસ! જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતાં નહીં કે...

2026-03-26 13:50:00
Author: Darshana Visaria
એપ્રિલ ફૂલ નહીં, પણ એપ્રિલ 'ભારે' પડશે એ ચોક્કસ! જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતાં નહીં કે...

દર મહિનાની પહેલી તારીખે સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવે છે, જેની અસર આમઆદમીના જીવન પર જોવા મળે છે. પરંતુ એપ્રિલ મહિનાની વાત કરીએ તો પહેલી એપ્રિલથી માત્ર મહિનો જ નહીં બદલાય પરંતુ નવું નાણાંકીય વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે પહેલી એપ્રિલ 2026થી અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની અસર સીધેસીધી તમારા ખિસ્સા પર જોવા મળશે. એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને આવકવેરાના નિયમો અને રેલવે ટિકિટ સુધીના ફેરફારો તમારી પર સીધી અસર કરશે. આજે આપણે આ સ્ટોરીમાં પહેલી એપ્રિલથી બદલાઈ રહેલાં કેટલાક મહત્ત્વના નિયમો વિશે વાત કરીશું. 

એલપીજી સિલિન્ડરના ભાવ 
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. ૧ એપ્રિલથી ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, જેની અસર રસોડાના બજેટ પર પડશે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલાં તણાવ અને એલપીજી ગેસની અછત વચ્ચે તેલ કંપનીઓ પહેલાંથી જ ભાવ વધારાનો ઈશારો આપી ચૂરી છે. આ સિવાય ઓઈલ ક્રાઈસિસ વચ્ચે એર ટર્બાઈન ફ્યુઅલની કિંમત તેમ જ સીએનજી-પીએનજી રેટમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. 

ન્યુ ઈનકમ ટેક્સ રૂલ અમલમાં આવશે
પહેલી એપ્રિલથી શરૂ થઈ રહેલું નવું આર્થિક વર્ષ ઈનકમ ટેક્સનો નવો નિયમ લઈને આવી રહ્યો છે. નવા ઈનકમ ટેક્સ રૂટની સાથે ટેક્સ સાથે સંકળાયેલા કેટલાક બીજા મહત્વના ફેરફારો પણ આવી શકે છે. પહેલી એપ્રિલથી આઈટીઆર ભરવા માટે ફોર્મ 16ની જરૂર નહીં પડે, પરંતુ એના બદલે કરદાતાને એક નવું ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મનો ઉપયોગ ઈનકમ ડોક્યુમેન્ટ્સ તરીકે પણ કરી શકશો. 

પેન કાર્ડ બનાવવા આધાર કાર્ડ સાથે અન્ય દસ્તાવેજો આપવા પડશે
સરકારે પેન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટેની ડેડલાઈન સંબંધિત નિયમમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ પેન કાર્ડ બનાવવા કે તેના અપડેટ સંબંધિત નિયમમાં કડક બનાવવામાં આવ્યા છે. આ સિવાય હવે પેન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ પુરાવા તરીકે પૂરતો નહીં. અરજી કરનારે અન્ય ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવામાં આવશે. આ સિવાય જો તમે હજુ સુધી આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક નથી કરાવ્યું તો પહેલી એપ્રિલથી તમારું પેન કાર્ડ ઈનેક્ટિવ થઈ શકે છે અને બેંકિંગ વ્યવહારોમાં મુશ્કેલી આવી શકે છે.

એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે
પહેલી એપ્રિલથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું બની શકે છે. અનેક મોટી બેંકો એટીએમમાંથી રોકડ ઉપાડવાના ફ્રી લિમિટ અને ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કરી રહી છે. હવે નક્કી કરવામાં આવેલી લિમિટ કરતાં વધારે વખત પૈસા ઉપાડવા એટલે કે ટ્રાન્ઝેક્શન કરવાનું મોંઘું પડી શકે છે.

રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમના નિયમો બદલાશે
ભારતીય રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ રેલવે નેટવર્ક છે. રેલવે મંત્રાલય દ્વારા પહેલી એપ્રિલથી રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમો અને મુસાફરોની સુવિધા માટેના ચાર્જમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલી એપ્રિલથી પ્રવાસીઓએ કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવા પર વધારે પૈસા ચૂકવવા પડશે. ટ્રેન છુટવાના 8 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવવા કોઈ રિફન્ડ નહીં આપવામાં આવે. 8થી 24 કલાક પહેલાં કન્ફર્મ ટિકિટ કેન્સલ કાવવા પર 50 ટકા, 24થી 72 કલાક પહેલાં કેન્સલ કરાવવા પર 25 ટકા અને 72 કલાક પહેલાં કેન્સલ કરાવવા પર સૌથી વધુ રિફન્ડ મળશે. 

ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં થશે વૃદ્ધિ
બજેટમાં કરવામાં આવેલા જાહેરાત અનુસાર વીમા નિયમનકારી સંસ્થા (IRDAI)ના નવા નિર્દેશો મુજબ, પહેલી એપ્રિલથી અમુક પ્રકારની વીમા પોલિસીઓના પ્રીમિયમમાં વધારો થઈ શકે છે, જેનાથી વીમો લેવો મોંઘો થશે. વીમાના પ્રીમિયમમાં વધારો થતાં તેની અસર આમ આદમીના ખિસ્સા પર જોવા મળી શકે છે. 

ક્રેડિટ કાર્ડના નિયમો 
ક્રેડિટ કાર્ડ એ આજકાલના જીવનમાં લોકોનો એક અભિન્ન અંગ બની ચૂક્યો છે. આવી સ્થિતિમાં પહેલી એપ્રિલથી અનેક મોટી બેંકો ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ અને લાઉન્જ એક્સેસની સુવિધાઓમાં કાપ મૂકી રહી છે. પહેલી એપ્રિલથી ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ અને લેટ ફીના નિયમો પણ કડક બનાવવામાં આવી શકે છે.