Tue May 19 2026

Logo

આખી-આખી રાત બસ રડતી રહેતી, સંપૂર્ણપણે ભાંગી પડી હતી... જાણીતી એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો...

2026-05-19 20:59:46
Author: Darshana Visaria
Article Image

ટીવી જગતની સુપરહિટ એક્ટ્રેસ અને 'બિગ બોસ 14'ની વિજેતા રૂબીના દિલૈક (Rubina Dilaik) આજે કોઈ ઓળખની મોહતાજ નથી. પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતનારી રૂબીનાએ તાજેતરમાં જ તેના ભૂતકાળના એક એવા કપરા સમયની વાત કરી છે, જે સાંભળીને ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે. રૂબીનાએ તેના પહેલા બ્રેકઅપ બાદ સહન કરેલી માનસિક અને આર્થિક પીડાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચાલો જોઈએ શું કહ્યું છે રૂબીનાએ... 

રૂબીના દિલૈકે પોતાના પોડકાસ્ટ શો 'કિસી ને બતાયા નાહીં'ના લેટેસ્ટ એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે તેના જીવનમાં લગભગ બે વર્ષ સુધી એવો અંધકારમય સમય રહ્યો હતો જેણે તેને અંદરથી સાવ તોડી નાખી હતી, ભાંગી પડી હતી. આ સમય તેના પહેલા સીરિયસ બ્રેકઅપ પછીનો હતો.

રૂબીનાએ તે મુશ્કેલ દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, એ સમયે હું માત્ર ઈમોશનલી જ નહીં, પણ આર્થિક રીતે પણ સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હું એટલી બધી હતાશાથી ઘેરાયેલી હતી કે આખી રાત જાગીને બસ રડતી જ રહેતી. કાં તો હું સૂતી રહેતી અથવા રડતી રહેતી. મેં મારા તમામ મિત્રો સાથે સંબંધો તોડી નાખ્યા હતા. મારા માતા-પિતા ચિંતા ન કરે તે માટે મેં તેમને પણ આ વિશે કંઈ જ નહોતું જણાવ્યું. રૂબીનાએ વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે આજે પણ એ દિવસો વિશે વાત કરતી વખતે તેના રુંવાડા ઉભા થઈ જાય છે.

આ તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવીને રૂબીનાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. 'છોટી બહુ' (Chhoti Bahu) સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂબીનાએ 'શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી' શોમાં એક કિન્નર પાત્ર ભજવીને લોકોના દિલ જીતી લીધા હતા. તેના આ પડકારજનક અભિનયની ઇન્ડસ્ટ્રીમાં ભારે પ્રશંસા થઈ હતી.

અત્યારે રૂબીના તેના પતિ અભિનવ શુક્લા સાથે સુખી વિવાહિત જીવન વિતાવી રહી છે. આ બંનેની લવ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. એક જૂના ઈન્ટરવ્યુમાં અભિનવે જણાવ્યું હતું કે, અમારી મુલાકાત ગણપતિ ઉત્સવ દરમિયાન એક કોમન ફ્રેન્ડના ઘરે થઈ હતી. રૂબીના સાડીમાં અદભુત અને અત્યંત સુંદર લાગતી હતી. સામાન્ય રીતે છોકરીઓ વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળે છે, પણ સાડીમાં તેનો આ ક્લાસિક લુક જોતાં જ મને પહેલી નજરમાં જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.

બંને કલાકારોએ પોતાના કરિયરમાં અને પર્સનલ લાઈફમાં સાથે મળીને ઘણા ચઢાવ-ઉતાર જોયા છે અને આજે તેઓ ટીવીના મોસ્ટ લવિંગ કપલ્સમાંથી એક ગણાય છે. હાલમાં આ કપલ બે સુંદર મજાની નાનકડી દીકરીના માતા-પિતા છે.