Sun Mar 08 2026

Logo

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં હરિયાણાથી મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓની ધરપકડ

2 weeks ago
Author: Tejas Rajpara
Article Image

મુંબઈ: બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે થયેલા ફાયરિંગના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હરિયાણાના બહાદુરગઢથી ચાર મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. 1 ફેબ્રુઆરીની રાત્રે બનેલી આ ઘટના બાદથી જ પોલીસ સતર્ક હતી અને આખરે 15 દિવસની તજવીજ બાદ મુખ્ય શૂટર સહિતના ગુનેગારો પોલીસના સકંજામાં આવી ગયા છે.

હરિયાણા STF ના એસપી વિક્રાંત ભૂષણે જણાવ્યું કે, મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા ચાર આરોપીઓ પૈકી દીપક મુખ્ય શૂટર છે, જેણે રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર કર્યો હતો. તેના સાથીદારો સન્ની અને સોનુએ અગાઉ ઘરની રેકી કરી હતી, જ્યારે ચોથા આરોપી ઋતિકે તેમને છુપાવવામાં મદદ કરી હતી. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલ મુંબઈ પોલીસ તેમને વધુ તપાસ માટે મુંબઈ લાવી રહી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય શૂટર દીપક વિદેશમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર હરિ બોક્સર અને આરઝૂ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. સોશિયલ મીડિયા દ્વારા આ ગેંગસ્ટરોએ દીપકનો સંપર્ક કર્યો હતો અને રોહિત શેટ્ટીના ઘર પર હુમલો કરવાનું ટાસ્ક આપ્યું હતું. આ ફાયરિંગ માટે દીપકને 50 હજાર રૂપિયા એડવાન્સમાં આપવામાં આવ્યા હતા અને કામ પૂરું થયા બાદ વધુ રકમ આપવાનું વચન અપાયું હતું. આ કાવતરામાં બાબા સિદ્દીકી કેસમાં વોન્ટેડ શુભમ લોનકરની સંડોવણી પણ સામે આવી રહી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પુણે અને ઉત્તર પ્રદેશમાંથી સાત લોકો પકડાયા હતા, જ્યારે ૧૫ જાન્યુઆરીએ હરિયાણા-રાજસ્થાન બોર્ડર પરથી પણ અન્ય આરોપીઓ ઝડપાયા હતા. ફાયરિંગની આ ઘટના બાદ મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીની સુરક્ષામાં વધારો કરી દીધો છે. હરિ બોક્સરે આ હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો છે. હવે મુંબઈની એન્ટી એક્સટોર્શન સેલ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.