Wed Jul 29 2026

Logo

આરબીઆઈના કડક પગલાંથી રૂપિયો મજબૂત: ડૉલર સામે 152 પૈસાનો મોટો ઉછાળો

2026-04-02 19:59:50
Author: Ramesh Gohil
Article Image

બૅન્કો પરના નિયંત્રણો અને વાયદા બજારમાં ફેરફારને કારણે રૂપિયામાં 12 વર્ષનો સૌથી મોટો એક દિવસીય સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ગબડતા રૂપિયાને અંકુશમાં રાખવા માટે વાયદા બજારમાં બૅન્કોને દૂર રાખવા સહિતનાં પગલાઓ લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 188 પૈસા મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે 152 પૈસા ઊંચકાઈને 93.18ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણ અને મધ્યપૂર્વના ભૂરાજકીય તણાવને કારણે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના 94.70ના બંધ સામે સાધારણ સુધારા સાથે 94.62ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.63 અને ઉપરમાં 92.82 સુધી મજબૂત થઈને અંતે ઘણાં વર્ષો પછીના સૌથી મોટા 152 પૈસાના ઉછાળા સાથે 93.18ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત મંગળવારે બજાર મહાવીર જયંતી નિમિત્તે અને બુધવારે બૅન્ક યરલી ક્લોઝિંગ ડૅ નિમિત્તે બંધ રહી હતી. 

અગાઉ 27મી માર્ચના રોજ રિઝર્વ બૅન્કે સર્ક્યુલર બહાર પાડીને બૅન્કોની ભારતીય રૂપિયા સામે અમેરિકી ડૉલરની નેટ ઓપન પોઝિશન આગામી 10મી એપ્રિલ સુધી ઘટાડીને 10 કરોડ ડૉલર કરી હતી. તેમ જ ગઈકાલે બૅન્કો તથા ફોરેક્સ ડીલરો સામે બજારની સ્થિતિને ધ્યાનમાં લેતા અન્ય પગલાઓની જાહેરાત કરી હતી. જેમાં રિઝર્વ બૅન્કે બૅન્કોને રેસિડન્ટ અને નોન રેસિડન્ટ યુઝર્સ માટે રૂપિયાના નોન ડિલિવરેબલ ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટ ઓફર કરવામાંથી બાકાત રાખવાનો આદેશ આપ્યો હતો. વધુમાં આ આદેશ જારી થયા પછી કેન્સલ થયેલ ડિલિવરેબલ અથવા નોન ડિલિવરેબલ ફોરેક્સ ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટના રિબૂકિંગ પર પણ નિયંત્રણો લાદ્યાં છે. 

નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ડૉલર સામે રૂપિયામાં ચાર ટકાનો ઘસારો આવી ગયો છે અને ગત 31મી માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2025-26માં ડૉલર સામે રૂપિયામાં 10 ટકાનું ધોવાણ થઈ ગયું છે. 

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બૅન્કો પર નિયંત્રણો મૂકતા બૅન્કોની ડૉલરમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયામાં 12 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી 10મી એપ્રિલ સુધીમાં બૅન્કોએ તેની ઓપન પોઝિશન ઘટાડવાની હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતા છે. જોકે, વૈશ્વિક સ્તરનાં જોખમો અને વધી રહેલા ક્રૂડતેલના ભાવ રૂપિયામાં સુધારો મર્યાદિત રાખી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.60 ટકા વધીને 100.05 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 6.84 ટકા વધીને બેરલદીઠ 108.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 8331.15 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 185.23 પૉઈન્ટનો અને 33.70 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.