સાઉથ અને બોલીવૂડની લોકપ્રિય એક્ટ્રેસ રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા સાથેના લગ્ન બાદ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જોકે, આ વખતે રશ્મિકા જે કારણસર ચર્ચામાં આવી છે એ કદાચ રશ્મિકાના ફેન્સને નહીં પસંદ આવે. રશ્મિકા આ વખતે પોતાની પ્રોફેશનલ લાઈફ કે કોઈ ફિલ્મ માટે નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના અને તેના એક્સ મંગેતર રક્ષિત શેટ્ટી સાથે જોડાયેલા એક કથિત 'ઓડિયો ક્લિપ' વાઈરલ થઈ રહી છે. જોકે, રશ્મિકાએ આ મામલે આકરું વલણ અપનાવવાની ચેતવણી ઉચ્ચારી છે.
— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં રશ્મિકાની માતાનો અવાજ છે અને તે રક્ષિત શેટ્ટી (રશ્મિકાના એક્સ-મંગેતર) વિશે વાત કરી રહી છે. રશ્મિકાએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ ઓડિયો ક્લિપ તદ્દન ખોટી અને ફેબ્રિકેટેડ છે. તેના પરિવારને આ રીતે વિવાદમાં ખેંચવા બદલ તેણે સોશિયલ મીડિયા પર નારાજગી પણ વ્યક્ત કરી છે.
રશ્મિકાએ એક લાંબી લચક પોસ્ટ કરીને આ અંગે નારાજી વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે. રશ્મિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે લોકો કઈ હદ સુધી જઈ શકે છે. આઠ વર્ષ પહેલાંની વાતને તોડી મરોડીને, મારા પરિવારને, જેમની સાથે મારા સંબંધો સારે છે, પણ એમને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી એમને પણ ઘસડવામાં આવે છે. એક રીતે તો આ એ બધા લોકોને બદનામ કરવાની સાઝિશ છે.
જોકે, આ બધા વચ્ચે રશ્મિકા મંદાનાની ટીમ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. રશ્મિકાની ટીમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે લોકો પણ આ ઓડિયો ક્લિપને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે કે પછી તેના આધારે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, તેમની વિરુદ્ધ સાઈબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવશે. રશ્મિકાએ આ હરકતને પ્રાઈવસીનું ઉલ્લંઘન અને બદનક્ષી ગણાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિકા અને રક્ષિત શેટ્ટીની સગાઈ 2017માં થઈ હતી, પરંતુ 2018માં તેઓ પરસ્પર સહમતીથી અલગ થઈ ગયા હતા. વર્ષો પછી પણ જ્યારે બંને પોતાના કરિયરમાં આગળ વધી ગયા છે, ત્યારે જૂના સંબંધોને લઈને આ પ્રકારની વિવાદાસ્પદ ક્લિપ્સ વાઈરલ થતા એક્ટ્રેસ ખૂબ જ પરેશાન છે.