Fri Oct 02 2026

Logo

ઓસ્કાર માટે 'ધુરંધર'ને શા માટે પસંદ કરવામાં ન આવી? 'ગોંધલ' બની ખાસ ફિલ્મ

2026-09-19 12:44:00
Author: Mumbai Samachar Team
ઓસ્કાર માટે 'ધુરંધર'ને શા માટે પસંદ કરવામાં ન આવી? 'ગોંધલ' બની ખાસ ફિલ્મ

મુંબઈઃ મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને 99માં એકેડેમી ઓવર્ડ માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી મળી ગઈ છે. આ અંગેની એક ખાસ જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા એ શરૂ થઈ છે કે, આખરે બીજી કઈ ફિલ્મને સ્થાન મળવું જોઈએ. સૌથી વધારે ચર્ચા રણવીરસિંહની સુપરહિટ ફિલ્મ 'ધુરંધર'ને લઈને થઈ રહી છે. ઓસ્કારની એન્ટ્રીમાંથી પણ ફિલ્મ પાછળ ફેંકાઈ ગઈ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જ્યૂરી મેમ્બર વિવેક વાસવાનીએ 'ધુરંધર' કેમ પસંદ કરવામાં ન આવી એનો ખુલાસો કર્યો છે. 

શું બોલ્યા જ્યૂરી મેમ્બર?
એક મીડિયા મુલાકાતમાં જ્યૂરી મેમ્બરે કહ્યું હતું કે, કેટલાક લોકોને એ ફિલ્મ ખૂબ જ પસંદ પડી છે પણ અમને નથી લાગતુ કે, આ ફિલ્મ ઓસ્કાર માટે લાયક ફિલ્મ હતી. 'ધુરંધર' ફિલ્મ ભારતીય સંસ્કૃતિને એ રીતે દર્શાવતી નથી જેવું જ્યૂરી ભારતની ઓફિશિયલ એન્ટ્રી માટે ઈચ્છતી હતી. એન્ટ્રી સમયે એ ફિલ્મ પડતી મૂકાઈ હતી. 14 લોકોની ટીમમાંથી માત્ર ચાર જ વ્યક્તિ એવા હતા જેને 'ધુરંધર' ફિલ્મના સમર્થનમાં વોટ આપ્યા હતા. જ્યારે 'ગોંધલ' મરાઠી ફિલ્મ છે અને તે 33 ફિલ્મોની રેસમાંથી એક નંબર પર આવી છે. આ 33 ફિલ્મમાં 14 હિન્દી ફિલ્મ હતી, ચાર મરાઠી, ચાર તેલુગુ, ત્રણ ગુજરાતી, એક મલયાલમ, એક નેપાળી અને એક નાગાલેન્ડની ફિલ્મ સામેલ હતી. જ્યૂરીએ જે ત્રણ ફિલ્મોને ફાઈનલ કરી હતી કે એમાં 'ગોંધલ','અંગ' અને 'મૈં વાપસ આઉંગા' હતી. એમાંથી મરાઠી ફિલ્મ 'ગોંધલ' પર પસંદગી ઊતરી હતી. 

શું છે ખાસ 'ગોંધળમાં'
સંતોષ દાવખર દ્વારા લિખિત અને નિર્દેશિત 'ગોંધળ' (Gondhal) એક થ્રિલર ફિલ્મ છે. તેની વાર્તા મહારાષ્ટ્રની મધ્યરાત્રિએ યોજાતી પરંપરાગત વિધિ અને લોક-પ્રદર્શન શૈલી પર આધારિત છે, જેના પરથી ફિલ્મને તેનું નામ મળ્યું છે. ભારતીય સંસ્કૃતિના નિરૂપણને કારણે આ ફિલ્મે જ્યુરીનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. દાવખરે 2025માં યોજાયેલા ૫૬મા 'ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' (IFFI)માં 'શ્રેષ્ઠ દિગ્દર્શક'નો 'સિલ્વર પીકોક એવોર્ડ' જીત્યો હતો. આ ફિલ્મમાં કિશોર કદમ, ઇશિતા દેશમુખ, યોગેશ સોહોની, નિષાદ ભોઈર અને અનુજ પ્રભુ જેવા કલાકારોએ અભિનય કર્યો છે. તેનું સંગીત જાણીતા સંગીતકાર ઇલૈયારાજાએ તૈયાર કર્યું છે.