છેલ્લાં કેટલાક સમયથી જો ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને ધ્યાનથી જોઈ હશે તો વાઈલ્ડ લાઈફ તરફ લોકોનો ઝૂકાવ વધી રહ્યો છે. વધુને વધુ લોકો વાઈલ્ડલાઈફ સફારી પર જવાનું પસંદ કરી રહ્યા છે. જોકે ઘણી વખત આ વધતાં જતાં વાઈલ્ડલાઈફ ટુરિઝમની આડઅસર પણ જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રાજસ્થાનના રણથંભોર ખાતેના ટાઈગર રિઝર્વમાં એક વાઘ સફારી વેહિકલ્સથી ઘેરાઈ જાય છે. આ વીડિયો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર નેટિઝન્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત જગવિખ્યાત રણથંભોર નેશનલ પાર્કમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે વાઈલ્ડલાઈફ લવર્સ અને ટુરિસ્ટમાં ટેન્શનનો માહોલ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાઘ સફારી ગાડીઓથી ચારેબાજુથી ઘેરાયેલો છે, જેના કારણે પ્રકૃતિ અને વન્યજીવોના સન્માન સાથે જોડાયેલા 'જવાબદાર પર્યટન' (Responsible Tourism) પર ગંભીર સવાલો ઉભા થયા છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રણથંભોરના જંગલમાં એક વાઘ રસ્તાની વચ્ચે ઉભો જોવા મળે છે. સામાન્ય રીતે વાઘને જોઈને વાઈલ્ડલાઈફ લવર્સ એક્સાઈટમેન્ટ અને થ્રીલની ફીલ આવે એ સ્વાભાવિક છે, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ હતી. વાઘની આસપાસ એક-બે નહીં પણ અનેક સફારી જીપો અને કેન્ટર એટલા નજીક આવી ગયા હતા કે વાઘને ચાલવા માટે પણ જગ્યા બચી નહોતી.
આટલું ઓછું હોય તેમ પર્યટકો ફોટા પડાવવવા અને વીડિયો ઉતારવા માટે વાઘની અત્યંત નજીક જઈ રહ્યા હતા, જેનાથી વાઘ અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વન્યજીવ નિષ્ણાતોએ તેને 'જંગલ નહીં પણ ટ્રાફિક જામ' ગણાવ્યું છે. આ ઘટનાને કારણે વાઈલ્ડલાઈફ ટુરિઝમના નિયમોના પાલન સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ સક્રિય થયો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનોના ડ્રાઈવર અને ગાઈડ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રણથંભોર જેવા પ્રખ્યાત પાર્કમાં પ્રવાસીઓની વધતી સંખ્યા અને વાઘના સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે મોટો પડકાર બની ગયો છે.
નેટિઝન્સ આ વીડિયો પર જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે શું સફારીના નિયમોનું આ રીતે પાલન થાય છે? બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે જો વાઘનું સંવર્ધન કરવું છે તો નિયમોનું પાલન ખૂબ જ જરૂરી છે તો વળી કેટલાક લોકો આને ઝીરો સિવિક સેન્સ પણ ગણાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...