દર્શન ભાવસાર
લાપસીના આંધણ કયારે મુકાય?
* ગેસ ચાલુ હોય ત્યારે...
બા બાઉન્ડ્રી મારે તો બાપા શું કરે?
* એની કોમેન્ટ્રી આપે...
શેમાં કસ વધુ હોય?
* ફોકસ અને કેશમાં...
સાચાની બોલબાલા તો જૂઠાનું શું?
* પાઠશાળા !
શાંતિ ક્યારે આવે?
* બન્ને પક્ષ મૂંગા બેસી રહે ત્યારે...
ઉપરવાળો બધું જુએ છે. એ કોણ હશે?
* ઉપરના કયા ફ્લોરવાળા સાથે બનતું નથી એ યાદ કરી લો.
બાઈ બાઈ ચાળણી એટલે શું?
* બે ચાર સરકારી કચેરીના આંટાફેરા કરશો ત્યારે સમજાશે.. .
વર્ક ફ્રોમ હોમમાં કોની રજા લેવાની?
* હોમના બોસ (પત્ની)ની...
આસન વિના યોગ કરીએ તો શું થાય?
* પ્રાણવાયુ વગરના પ્રાણાયામ જેવું !
કીક કયારે વાગે?
* નહીં પીવાનું પીણું પીવો ત્યારે...
ભાગતાં ભૂતની ચોટલી ભલી. આવું કેમ?
* એ ટાલિયા ભૂતે વીગ પહેરી હશે..
લાઈન મારવી સારી કે લાઈન દોરવી સારી?
* એનો આધાર સામેની વ્યક્તિ પર છે...
ધરમનો ધક્કો ભારે કેમ પડે?
* પેલો ધરમ બોડી બિલ્ડર હશે...
આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર...
* ચર્ચાનું તો સમજ્યા.. પણ ખિસ્સાના ખર્ચાનું શું?
લગ્ન ઓફફ સિઝનમાં સસ્તા પડે તો છૂટાછેડા?
* એ બારેમાસ મોંઘા જ પડે ...
ઉતાવળે આંબા ના પાકે તો બજારમાં ઢગલાબંધ કેરી આવી ક્યાંથી?
* કમાવાની મોસમમાં ખેડૂતો આંબાને ઓવરટાઈમ કરાવેને !