Tue Jul 28 2026

Logo

તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે વ્યક્ત કરી પીડા: જેલમાં સ્મોકિંગ ઝોનની કેમ કરી માંગ?

2026-02-21 22:04:03
Author: Tejas
Article Image

ANI


મુંબઈ: બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસમાં 12 દિવસ સુધી દિલ્હીની તિહાર જેલમાં રહ્યા બાદ આખરે બહાર આવ્યા છે. પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે તેમને કોર્ટ તરફથી વચગાળાના જામીન મળ્યા છે. જેલમાંથી છૂટ્યા પછી રાજપાલે મીડિયા સાથે વાતચીત કરી હતી અને જેલની અંદર વિતાવેલા સમયને એક આખા યુગ સમાન ગણાવ્યો હતો. તેમણે જેલના કેદીઓની સુવિધા અને માનવીય પાસાઓ પર ખુલીને ચર્ચા કરી છે.

જેલમાં સ્મોકિંગ ઝોનની માંગ અને તેની પાછળનું કારણ

રાજપાલ યાદવે જેલમાં 'સ્મોકિંગ સેક્શન' (ધૂમ્રપાન ક્ષેત્ર) હોવું જોઈએ તેવી માંગ ઉઠાવી હતી, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે આ તેમની પોતાની અંગત માંગ નથી, પરંતુ ત્યાં રહેલા અનેક કેદીઓની ઈચ્છા છે. તેમણે ઉમેર્યું કે જેલમાં દરેક વ્યક્તિ વ્યાવસાયિક ગુનેગાર નથી હોતી. ઘણા લોકો ભૂલથી જેલમાં હોય છે, અને લાંબા સમય સુધી ત્યાં રહેવાથી તેમના વર્તનને ધ્યાનમાં રાખીને તેમને નવેસરથી જીવન શરૂ કરવાની તક અને કેટલીક પાયાની રાહત મળવી જોઈએ.

કેદીઓ માટે સહાનુભૂતિ અને જીવનની નવી તક

અભિનેતાએ જેલના કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, "મેં ત્યાં લોકોની આંખોમાં આશા જોઈ છે." રાજપાલના મતે જેલમાં રહેલા 10 ટકા એવા લોકો છે જેઓ ખરેખર સુધરવા માંગે છે અને તેમને બીજી તક મળવી જોઈએ. તેમણે સરકારને વિનંતી કરી કે જેલના કેદીઓના વર્તન પર ધ્યાન આપીને તેમને સમાજમાં પાછા ફરવાની તક આપવી જોઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ એક માનવીય પ્રાર્થના છે તેમ તેમણે જણાવ્યું હતું.

જેલના અનુભવને વર્ણવવા માટે રાજપાલે મન્ના ડેના લોકપ્રિય ગીત ‘પૂછો ના કૈસે મૈં રૈન બિતાઈ...’ની પંક્તિઓ ટાંકીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જેલનો એક-એક પળ એક યુગ સમાન હતો. જોકે, આ મુશ્કેલ સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓ અને ચાહકો જે રીતે તેમની પડખે ઉભા રહ્યા તે જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. સોશિયલ મીડિયા દ્વારા અને અંગત રીતે મદદ કરનારા તમામ લોકોનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.