Tue Jul 07 2026

Logo

જેલમાંથી છૂટતાં જ આ શું કરતો જોવા મળ્યો રાજપાલ યાદવ? વીડિયો થયો વાઈરલ...

2026-02-19 15:28:00
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના લોકપ્રિય કોમેડિયન એક્ટર રાજપાલ યાદવ માટે આ સમય ખૂબ જ કપરો રહ્યો છે. એક્ટર માટે આ સમય લાગણીઓના ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં રહ્યા બાદ મંગળવારે મળેલી મુક્તિ તેમના માટે મોટી રાહત સાબિત થઈ છે. જેલના સળિયા પાછળથી બહાર આવતાની સાથે જ અભિનેતા સીધા તેમના પરિવાર પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમની ભત્રીજીના લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ લગ્નના ફંક્શનના એક વીડિયોમાં રાજપાલ યાદવ પરંપરાગત ગોલ્ડન રંગના ધોતી-કુર્તામાં સજ્જ જોવા મળે છે. તેઓ સલમાન ખાનની ફિલ્મ 'હેલો બ્રધર'ના સુપરહિટ ગીત 'તેરી ચુનરિયા' પર મન મૂકીને ડાન્સ કરતો, ઠુમકા લગાવતો જોવા મળે છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પરિવાર સાથે આટલી ખુશીમાં જોઈને તેમના ફેન્સ પણ ભાવુક થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમને આવકારી રહ્યા છે.

જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે મીડિયા સાથે વાતચીત કરતા ખૂબ જ ગંભીરતાથી જણાવ્યું કે, આ કાનૂની લડાઈ 2012-13થી ચાલી રહી છે, પરંતુ મેં હંમેશા કાયદાનું સન્માન કર્યું છે. દેશની જનતાના પ્રેમને કારણે જ હું 250થી વધુ ફિલ્મો કરી શક્યો છું. જ્યારે પણ કોર્ટે મને યાદ કર્યો છે, હું હાજર રહ્યો છું અને ભવિષ્યમાં પણ અદાલતના આદેશનું પાલન કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવ પર મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ નામની કંપની સાથેના વ્યવહારમાં ચેક બાઉન્સનો આરોપ છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા અભિનેતા રાજપાલ યાદવની સજા પર 18મી માર્ચ સુધી વચગાળાની રોક લગાવવામાં આવી છે. 

બોલીવૂડ એક્ટરને રાજપાલ યાદવને આ રાહત ત્યારે મળી જ્યારે કોર્ટને જાણ કરવામાં આવી કે ફરિયાદ કરનાર કંપનીના ખાતામાં દોઢ કરોડ રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે. હવે આ કેસની આગામી હિયરિંગ 18મી માર્ચના રોજ કરવામાં આવશે, ત્યાં સુધી અભિનેતા જેલની બહાર રહી શકશે.