Tue Aug 18 2026

Logo

રાજકોટઃ લોકમેળા માટે 534 ફોર્મ સ્ટોલ-પ્લોટ્સ માટે આવ્યા, હવે યાદી તૈયાર થશે

2026-08-01 22:22:05
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના જન્માષ્ટમીના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના પ્રખ્યાત રેસકોર્સ મેદાન ખાતે યોજાતો અને પાંચ દિવસ ચાલતા આ લોકપ્રિય મેળાની લોકો આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. આ માટેની તૈયારીઓ તંત્ર તરફથી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રાઈડ્સ અને સ્ટોલ માટેની જગ્યાઓ નક્કી કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ લોકમેળો રેસકોર્સ મેદાન પર યોજાવવાનો છે. 

ફોર્મ પ્રક્રિયા શરૂ
રાજકોટ મેળામાં સ્‍ટોલ અને રાઇડ્‍સની ફાળવણી માટે તંત્ર દ્વારા ફોર્મ વિતરણ અને સ્‍વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે આ વખતે લોકમેળામાં દર વર્ષે ભારે આકર્ષણ જમાવતા રમકડાંના સ્ટોલ માટે આ વખતે વેપારીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. લોકમેળાના 228 સ્ટોલ – પ્લોટ્સ સામે 534 ફોર્મ ભરાઇને પરત આવ્યા છે. જ્યારે રમકડાના 100 સ્ટોલ સામે માત્ર 95 ફોર્મ ભરાયા છે. જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે તેના કરતા પણ પાંચ ફોર્મ ઓછા આવ્યા છે. આ સ્થિતિને કારણે મેળા સમિતિએ રમકડાના સ્ટોલ માટે કોઇપણ પ્રકારની હરાજી કરવાની જરૂર રહેશે નહિં. અરજી કરનાર તમામ 95 વેપારીઓને સિધી જ ફાળવણી કરી દેવામાં આવશે. જ્યારે બાકી રહેલા પાંચ સ્ટોલ અંગે તંત્ર શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે. હાલમાં આ તમામ ફોર્મને ચેક કરવાનું અને યાદી તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. 

નાની રાઈડ્સ માટે પડાપડી
જો કે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, નાના બાળકો માટેની નાની ચકરડીના પ્લોટ મેળવવા માટે સંચાલકો વચ્ચે ભારે ધસારો જોવા મળ્યો છે. નાની ચકરડીના માત્ર 24 પ્લોટ સામે 206 જેટલી મોટી સંખ્યામાં અરજીઓ આવી છે. હવે આ પ્લોટની ફાળવણી માટે તીવ્ર સ્પર્ધા અને હરાજી લગાવવી પડશે. હવે આ પ્‍લોટની ફાળવણી ડ્રો દ્વારા થશે. જેનાથી મેળા સમિતિને સારી આવક થશે. આ માટે અત્યારથી રાઈડ્સ ચાલકો જે તે પોલિસીને ફોલો કરી રહ્યા છે.