Sun Sep 06 2026

Logo

'જર્મનીથી ગિફ્ટ પાર્સલ આવ્યું છે...': રાજકોટના યુવાનને જાળમાં ફસાવી રૂ. 6.31 લાખ પડાવનાર 3 વિદેશી ઝડપાયા

2026-08-06 21:13:34
Author: Devayat Khatana
'જર્મનીથી ગિફ્ટ પાર્સલ આવ્યું છે...': રાજકોટના યુવાનને જાળમાં ફસાવી રૂ. 6.31 લાખ પડાવનાર 3 વિદેશી ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ
શહેરના ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસને આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈના કેસમાં મોટી સફળતા મળી છે. ફેસબુક પર મિત્રતા કેળવી જર્મનીથી ગિફ્ટ પાર્સલ મોકલવાના બહાને રાજકોટના એક વ્યક્તિ પાસેથી ₹6 લાખ 31 હજાર 900ની ઓનલાઈન ઠગાઈ આચરનાર એક મહિલા સહિત ત્રણ વિદેશી આરોપીને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મહિલા આરોપીએ ફેસબુક પર ખોટી ઓળખ બતાવી ફરિયાદી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ વોટ્સએપ મારફતે સતત સંપર્કમાં રહી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો અને જર્મનીથી ગિફ્ટ પાર્સલ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. 

બાદમાં અન્ય સાગરિતોએ પોતે દિલ્હી એરપોર્ટના અધિકારી હોવાનું કહી પાર્સલમાં યુરો કરન્સી, સોનાની ચેઈન, આઈફોન અને મોંઘી ઘડિયાળ હોવાનું જણાવી વિવિધ ચાર્જના બહાને ફરિયાદી પાસેથી અલગ-અલગ તબક્કે કુલ ₹6.31 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. 

સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ તપાસ, બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ નંબર, આઈપી લોગ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી એક મહિલા સહિત ત્રણ વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. 

પકડાયેલા આરોપીઓમાં ઘાના, તાન્ઝાનિયા અને સાઉથ સુદાનના નાગરિકનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, ત્રણ પાસપોર્ટ કબજે કર્યા છે તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કુલ 15 બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.