જયપુરઃ રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે. આ પરિણામો જાહેર થતાંની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજ્યભરની 309 બેઠકો પર મતગણતરી પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ 309 બેઠકોના પરિણામોમાં ભાજપે 163 બેઠકો પર જીત સાથે આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસે 103 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ સિવાય 43 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ બાજી મારી હોવાનું જાણવા મળ્યું છે.
2 તબક્કામાં થયું હતું 74.05 ટકા મતદાન
રાજસ્થાનમાં 10,167 વોર્ડ બેઠકો માટે બે અલગ-અલગ તબક્કામાં મતદાન યોજાયું હતું. 9 અને 11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ ચૂંટણીમાં રાજ્યના મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રથમ તબક્કામાં 162 શહેરી સંસ્થાઓમાં 76.41 ટકા રેકોર્ડ મતદાન નોંધાયું હતું. બીજા તબક્કામાં 147 શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 71.69 ટકા મતદાન થતાં, સમગ્ર રાજ્યમાં સરેરાશ 74.05 ટકા વોટિંગ થયું હતું.
મતદાન પહેલા જ 77 ઉમેદવારો બિનહરીફ વિજેતા
પરિણામની વાત કરવામાં આવે તો, મતદાન પહેલા જ 77 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જેમાં 37 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં 10 મહાનગરપાલિકાઓ, 47 નગર પરિષદો અને 200થી વધુ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. પરિણામો સ્પષ્ટ થતાં જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને ક્રોસ વોટિંગનો મોટો ડર સતાવી રહ્યો છે. પોતાનો બોર્ડ બનાવવામાં બહુમતી મેળવવા માટે ઉમેદવારોને તોડવાના પ્રયાસો ન થાય તે માટે બંને રાજકીય પક્ષોએ પોતાના સંભવિત વિજેતાઓ અને કી-કેન્ડિડેટ્સને જયપુર, અજમેર અને પુષ્કરના રિસોર્ટમાં મોકલી બાડેબંધી શરૂ કરી દીધી છે.
Jodhpur, Rajasthan: Counting of votes for the Municipal Corporation General Election 2026 will begin shortly at the Government Polytechnic College. Counting for 100 wards will be conducted across 10 rooms in 117 rounds, deciding the fate of 385 candidates. pic.twitter.com/8JmcZ6Fdht
— IANS (@ians_india) September 14, 2026
આજે પરિણામ જાહેર થતાં વોર્ડ વાઈઝ ચિત્ર સ્પષ્ટ થયા બાદ ખરી રાજકીય ખેંચતાણ શરૂ થશે. આગામી 21 સપ્ટેમ્બરે વિવિધ શહેરોના મેયર, નગર પરિષદના સભાપતિ અને નગરપાલિકાના ચેરમેનની પસંદગી માટે મતદાન યોજાશે. જે વિસ્તારોમાં સ્પષ્ટ બહુમતી નથી મળી, ત્યાં મેયર અને ચેરમેન બનાવવા માટે અપક્ષોનો રોલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તેવું લાગી રહ્યું છે.