Fri Sep 04 2026

Logo

હું અને મારા કોચ દુબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ નજીકમાં જ પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયોઃ પી. વી. સિંધુ

Dubai   2026-03-01 16:31:12
Author: Ajay Motiwala
હું અને મારા કોચ દુબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ નજીકમાં જ પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયોઃ પી. વી. સિંધુ

દુબઈઃ બૅડમિન્ટનના બે ઑલિમ્પિક ટાઇટલ જીતનાર ભારતની સ્ટાર ખેલાડી પી. વી. સિંધુ (Sindhu)એ ઇરાન સામેના ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના માહોલમાં દુબઈ (Dubai)માં અટવાઈ જવાને કારણે જે સ્થિતિનો સામનો કરવો પડ્યો એની જાણકારી દુબઈથી એક વીડિયો મારફત પીટીઆઇને આપી છે જેમાં તેણે કહ્યું છે કે તે અને તેના કોચની ફ્લાઇટ દુબઈ ઍરપોર્ટ પર પહોંચી કે થોડી જ વાર બાદ પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો અને અમે ખૂબ ડરી ગયા હતા.

સિંધુના કોચ ઇરવાસ્યાહ અદી પ્રાતામા ઇન્ડોનેશિયાના છે. તેઓ તેમ જ સિંધુના સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ કલાકો સુધી દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીક ઇરાન મોટો ધડાકો થતાં ઍરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા. આ હુમલાને કારણે ઍર સ્પેસ બંધ કરવામાં આવતાં અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

મંગળવાર, ત્રીજી માર્ચે બર્મિંગમમાં ઑલ ઇંગ્લૅન્ડ ઓપન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ શરૂ થઈ રહી છે અને સિંધુ એ સ્પર્ધામાં રમવા જઈ રહી હતી, પરંતુ શનિવારથી ત્યાંના વિમાનીમથકે અટવાઈ ગઈ હતી. તેણે પીટીઆઇને કહ્યું, `અમારી ફ્લાઇટ દુબઈ પહોંચી ત્યાર બાદ સ્થિતિ અમારા કાબૂ બહાર હતી. અમે ઍરપોર્ટ પર હતા ત્યારે આકાશમાં આવેલી મિસાઇલોને આંતરી લેવામાં આવી હતી અને એના મોટા અવાજો અમને સંભળાયા હતા. એક મોટા ધડાકાને કારણે ધુમાડા ઊડ્યા એ ઘટનાસ્થળથી મારા કોચ માંડ 100 મીટર દૂર હતા અને તેઓ ભાગીને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતા.'

સિંધુ બર્મિંગમમાં બુધવાર, ચોથી માર્ચની મૅચ રમવા માટે પ્રતિબદ્ધ હતી. તેણે દુબઈમાં ભારતીય રાજદૂતાલયનો આભાર માનવાની સાથે કહ્યું, `દુબઈ ઍરપોર્ટના અને દુબઈના સત્તાધીશોએ અથાક પ્રયત્નોથી બધાને સલામત રાખવા માટે જે જહેમત ઉઠાવી એ બદલ તેમનો આભાર માનું છું.'