Wed Sep 23 2026

Logo

પુણેમાં ફાયર સેફ્ટી ઓડિટ બાદ સેફ્ટી વ્યવસ્થા અને મંજૂરીઓ વિના ચાલતી 11 પીજી હોસ્ટેલ સીલ

2026-09-20 20:12:46
Author: Chandrakant Kanoja
પુણેમાં ફાયર સેફ્ટી ઓડિટ બાદ સેફ્ટી વ્યવસ્થા અને મંજૂરીઓ વિના ચાલતી 11 પીજી હોસ્ટેલ સીલ

પુણે: શહેરમાં ફાયર સેફ્ટીને લઈને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ઓડિટ અભિયાન દરમિયાન ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. લોહગાંવ અને નિંબાળકર નગર વિસ્તારમાં તપાસ દરમિયાન જરૂરી ફાયર સેફ્ટી વ્યવસ્થા અને મંજૂરીઓ વગર ચાલી રહેલી  11 પીજી હોસ્ટેલને પુણે મહાનગરપાલિકાએ સીલ કરી દીધી છે. કેટલાક ત્રણથી ચાર માળના મકાનોમાં 100થી વધુ વિદ્યાર્થીઓ રહેતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

પુણે મહાનગરપાલિકાના કમિશનર નવલ કિશોર રામના નિર્દેશ બાદ ફાયર બ્રિગેડ, બિલ્ડિંગ વિભાગ અને અતિક્રમણ વિભાગની સંયુક્ત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલાક પીજીમાં કાયમી અથવા અસ્થાયી ફાયર ફાઈટિંગ સિસ્ટમ જ ઉપલબ્ધ નહોતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આવી ઈમારતોમાં આગ લાગે તો મોટી જાનહાનિ અને મિલકતના નુકસાનનું જોખમ રહેવાની શક્યતા ઘણા અંશે વધી જતી હોય છે.

તપાસ દરમિયાન પીજી સંચાલકો પાસે બિલ્ડિંગ પરમિશન, ડ્રેનેજ અને પાણીની મંજૂરી, સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ, પ્રોપર્ટી ટેક્સ સંબંધિત દસ્તાવેજો અને ફાયર વિભાગનું એનઓસી સહિતની જરૂરી મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હોવાની બાબત સામે આવી હતી. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારા સંચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ દરમિયાન અધિકારીઓએ પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમના કોલેજ દ્વારા તેમને આવા પીજી અને હોસ્ટેલની માહિતી આપવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓને અનધિકૃત અથવા અસુરક્ષિત હોસ્ટેલમાં મોકલવામાં કોલેજની ભૂમિકા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી સંસ્થાઓ સામે કાર્યવાહી થઈ શકે છે.

પુણે મહાનગરપાલિકાએ હવે ફાયર સેફ્ટી ઓડિટનો વ્યાપ વધુ વિસ્તરવાનો નિર્ણય લીધો છે. આગામી તબક્કામાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, પીજી હોસ્ટેલ, કોચિંગ ક્લાસ અને અન્ય સંસ્થાઓની તપાસ કરવામાં આવશે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, જરૂરી ફાયર સેફ્ટી વ્યવસ્થા નહીં ધરાવતા અને નિયમોનું પાલન નહીં કરતા સંચાલકો સામે તેને સીલ કરવા સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.