ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં રોકાણ પર મહિને 5 ટકા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચરી સંચાલકો રફુચક્કર થઈ ગયા હતા. ગુજરાત સહિત રાજ્યોમાં રોકાણકારોએ દોડી આવી હોબાળો મચાવ્યો હતો. આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
મળતી વિગત પ્રમાણે, ગિફ્ટ સિટીમાં આવેલી એક ખાનગી કંપનીએ ગુજરાત સહિત અનેક રાજ્યોના રોકાણકારોને 5 ટકા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. પરંતુ ઘણા સમયથી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. મહિલાઓ સહિત અનેક લોકોએ લોન લઈને કે મિલકતો ગિરવે મુકીને અહીં રોકાણ કર્યું હતું.
શરૂઆતમાં કંપની દ્વારા રેગ્યુલર વળતર આપવામાં આપીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. ગુજરાત સિવાય ગોવા, હરિયાણાના લોકોએ પણ મોટા પાયે રોકાણ કર્યું હતું. રોકાણકારોના આક્ષેપ મુજબ, કંપનીએ ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. પ્રાથમિક અંદાજ પ્રમાણે, 33 હજારથી વધારે ગ્રાહકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું છે અને કૌભાંડનો આંકડો 400 કરોડ રૂપિયાને પાર કરી શકે છે.
રોકાણકારોના કહેવા મુજબ, કંપનીનું મેનેજમેન્ટ રૂબરુ કોઈને મળતું નથી. ફક્ત ઓનલાઈન મીટિંગ કરે છે, વોટ્સએપનો જવાબ આપે છે.