સિલિન્ડરની અછતનો લાભ ઉઠાવી કમાણી કરવા આરોપીએ નવો માર્ગ અપનાવ્યો: સિલિન્ડર ચોરવા સ્કૂટર પણ ચોરતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અખાતના દેશોમાં ચાલતા યુદ્ધને કારણે ગૅસ સિલિન્ડરના સપ્લાય પર પડેલી અસરનો લાભ ઉઠાવીને થાણેમાં રહેતા શખસે સિલિન્ડર ચોરીને વેચવાનો માર્ગ અપનાવ્યો હતો. મુંબઈ, થાણે અને નવી મુંબઈથી સિલિન્ડર ચોરવા માટે આરોપી ચોરીના સ્કૂટરનો ઉપયોગ કરતો હતો. થાણેમાંથી પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 45 સિલિન્ડર અને ત્રણ સ્કૂટર જપ્ત કર્યાં હતાં.
પવઈ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રાજ ચંદ્રકાંત કાંબળે (45) તરીકે થઈ હતી. થાણેના વર્તક નગર વિસ્તારમાં રહેતા આરોપી વિરુદ્ધ ચોરીના 10 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ પવઈ પરિસરમાંથી બે વર્ષ અગાઉ સ્કૂટર ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. સ્કૂટરની તપાસમાં પોલીસને ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. આ સ્કૂટરનો ઉપયોગ ચોરીનાં ગૅસ સિલિન્ડરની હેરફેર માટે થતો હતો. તાજેતરમાં જ ગૅસ સિલિન્ડરની અછત વર્તાવા લાગી એ સમયગાળામાં પવઈ પોલીસને ચોપડે પણ સિલિન્ડર ચોરીના બે કેસ નોંધાયા હતા.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈથી પણ સિલિન્ડર ચોરતો હતો. આ માટે તે ચોરીનાં અલગ અલગ સ્કૂટરનો ઉપયોગ કરતો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે થાણેમાં છટકું ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ગૅસનાં 45 સિલિન્ડર અને ચોરીનાં ત્રણ સ્કૂટર જપ્ત કરવામાં આવ્યાં હતાં.
ચોરીનાં સિલિન્ડર વેચી આપવામાં આરોપીને તેના બે સાથી મદદ કરતા હતા. પોલીસે આ બન્ને વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. પકડાયેલા કાંબળેની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.