મુંબઈ: ભારતીય મનોરંજન જગતમાં પૌરાણિક શો અને ફિલ્મોનો હંમેશા એક અલગ જ દબદબો રહ્યો છે. રામ, સીતા અને કૃષ્ણના પાત્રોની જેમ જ હનુમાનજીનું પાત્ર ભજવનારા કલાકારોને પણ દર્શકોએ અપાર પ્રેમ આપ્યો છે. ટેલિવિઝનની નાની સ્ક્રીન હોય કે બોલીવુડનો મોટો પડદો, જ્યારે પણ કોઈ અભિનેતા ગદા ધારણ કરીને 'જય શ્રી રામ'ના નારા સાથે એન્ટ્રી લે છે, ત્યારે પ્રેક્ષકો ભક્તિભાવમાં ડૂબી જાય છે. અત્યાર સુધી અનેક દિગ્ગજ કલાકારોએ બજરંગબલી બનીને લાઇમલાઇટ લૂંટી છે, જેમાં કેટલાક કલાકારો તો આ પાત્રને કારણે જ ઘરે-ઘરે જાણીતા બન્યા છે.
દારા સિંહ અને વિંદૂ દારા સિંહ: પિતા-પુત્રનો અનોખો વારસો
જ્યારે પણ હનુમાનજીના પાત્રની વાત નીકળે ત્યારે સૌથી પહેલું નામ દારા સિંહનું આવે છે. રામાનંદ સાગરની 'રામાયણ' હોય કે બી.આર. ચોપરાની 'મહાભારત', દારા સિંહે હનુમાનના પાત્રને એક નવી ઊંચાઈ આપી હતી. વર્ષ 2012માં તેમનું અવસાન થયું હતું, પરંતુ આજે પણ લોકો હનુમાન તરીકે તેમને જ યાદ કરે છે. તેમના જ નકશેકદમ પર ચાલીને પુત્ર વિંદૂ દારા સિંહે પણ 'જય વીર હનુમાન' અને 'વિષ્ણુ પુરાણ' જેવા શોમાં બજરંગબલી બનીને પિતાનો વારસો આગળ ધપાવ્યો હતો.

નિર્ભય વાધવા અને દાનિશ અખ્તર
ટેલિવિઝન પર 'સંકટ મોચન મહાબલી હનુમાન' શોમાં નિર્ભય વાધવાએ ભજવેલું હનુમાનજીનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેમની મજબૂત કાયા અને પ્રભાવશાળી અભિનયને કારણે લોકોમાં તેઓ હિટ સાબિત થયા હતા. તેવી જ રીતે, અભિનેતા દાનિશ અખ્તર સૈફીએ 'સિયા કે રામ' અને 'શ્રીમદ ભાગવત મહાપુરાણ'માં હનુમાનનો રોલ પ્લે કર્યો હતો. દાનિશ એક પ્રોફેશનલ રેસલર હોવાથી તેમના હનુમાન લૂકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો અને તેમને ઘણી ખ્યાતિ મળી હતી.

બાલ હનુમાન: એકાગ્ર દ્વિવેદી અને ઈશાંત ભાનુશાલી
માત્ર પુખ્ત કલાકારો જ નહીં, પણ બાળ કલાકારોએ પણ હનુમાનજીના બાળપણના પાત્રમાં દર્શકોના દિલ જીતી લીધા છે. 'કહત હનુમાન જય શ્રી રામ' શોમાં માત્ર 6 વર્ષની ઉંમરે એકાગ્ર દ્વિવેદીએ પોતાની ક્યુટનેસથી બધાને ફિદા કરી દીધા હતા. તેવી જ રીતે, 'સંકટ મોચન મહાબલી હનુમાન'માં ઈશાંત ભાનુશાલીએ 7 વર્ષની વયે બાળ હનુમાનનો યાદગાર રોલ કર્યો હતો. ઈશાંતે સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં પણ નાનકડું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત, 90ના દાયકાના સુપરહિટ શો 'જય હનુમાન'માં રાજ પ્રેમીએ હનુમાનજી તરીકે કમાલ કરી હતી.

સની દેઓલ અને ઋષભ શેટ્ટીનો નવો અંદાજ
હવે મોટા પડદા પર ફરી એકવાર હનુમાનજીનો મહિમા જોવા મળશે. નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણમ્'માં બોલીવુડ સુપરસ્ટાર સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે, જેના માટે ફેન્સ અત્યંત ઉત્સાહિત છે. બીજી તરફ, 'કાંતારા' ફેમ ઋષભ શેટ્ટી પણ પ્રશાંત વર્માની ફિલ્મ 'જય હનુમાન'માં મહાબલી હનુમાનની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફર્સ્ટ લૂકમાં ઋષભનો અંદાજ અદભૂત દેખાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે આવનારા સમયમાં હનુમાનજીના પાત્રો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.
