Thu Sep 17 2026

Logo

આઠ વર્ષની સગાઈ પછી પણ કેમ લગ્ન નથી કરી રહી આ બોલીવૂડ એક્ટ્રેસ? ડિવોર્સનો ડર અને રિલેશનશિપ પર કર્યો ખુલાસો...

2026-08-13 16:57:53
Author: Darshana Visaria
આઠ વર્ષની સગાઈ પછી પણ કેમ લગ્ન નથી કરી રહી આ બોલીવૂડ એક્ટ્રેસ? ડિવોર્સનો ડર અને રિલેશનશિપ પર કર્યો ખુલાસો...

બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ અને બોલ્ડ પર્સનાલિટી માટે જાણીતી પૂજા બેદી અવારનવાર પોતાની પર્સનલ લાઈફને કારણે અને બેબાક વિચારોને કારણે ચર્ચામાં રહે છે. પૂજા બેદી અને તેના ફિયાન્સે માણેક કોન્ટ્રાક્ટરની સગાઈને આઠ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી. ફેન્સ અવારનવાર સવાલ પૂછતા હોય છે કે આટલા વર્ષો પછી પણ તેઓ લગ્નના બંધનમાં કેમ નથી બંધાઈ રહ્યા?

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બેદીએ લગ્ન ના કરવા પાછળનું સાચું કારણ અને ભૂતકાળમાં ડિવોર્સના અનુભવો વિશે ખુલીને વાત કરી છે. પૂજા બેદીએ સ્પષ્ટ કર્યું કે તે અને માણેક એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને એકબીજા પ્રત્યે કમિટેડ છે. તેણે જણાવ્યું, અમારો સંબંધ પ્રેમ, આદર અને વિશ્વાસ પર ટકેલો છે. પોતાના પ્રેમ કે કમિટમેન્ટને સાબિત કરવા માટે અમને કોઈ કાગળના લગ્ન-પત્રક કે સરકારી સ્ટેમ્પની જરૂર લાગતી નથી.

પૂજાએ પોતાના ભૂતકાળના લગ્નજીવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેણે જીવનમાં ડિવોર્સનો સામનો કર્યો છે. ભૂતકાળના કડવા અનુભવોએ તેને શીખવ્યું છે કે લગ્નનો કાગળ સંબંધના સ્ટેબિલિટીની કોઈ ગેરંટી આપતો નથી. જો બે લોકો વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ અને પ્રેમ હોય, તો કોઈ કાયદાકીય ટેગ વગર પણ આખી જિંદગી સાથે ખુશીથી વિતાવી શકાય છે.

પૂજા બેદીના જણાવ્યા મુજબ, માણેક અને તે એકબીજાની પર્સનલ સ્પેસનું સન્માન કરે છે. બંને એકબીજાના પરિવાર અને બાળકો (આલિયા એફ અને ઉમર) સાથે ખૂબ સરસ બોન્ડ ધરાવે છે. સોશિયલ મીડિયા પર પણ પૂજા અવારનવાર માણેક સાથેની રોમેન્ટિક અને વેકેશનની તસવીરો શેર કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂજા બેદી લાંબા સમયથી ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ થોડાક વર્ષો પહેલાં જ તે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં જોવા મળ્યા હતા. આ શોમાં પણ તેમણે પોતાના લગ્નજીવન અને રિલેશનશિપને લઈને ખુલાસો કર્યો હતો.