Tue Aug 18 2026

Logo

PoKમાં ચૂંટણી વચ્ચે શાહબાઝ સરકાર ઘૂંટણિયે: વિરોધીઓને દેશભક્ત ગણાવી વાતચીત માટે તૈયાર

islamabad   2026-08-09 19:44:32
Author: Mumbai Samachar Team
Article Image

ઈસ્લામાબાદઃ પડોશી દેશ પાકિસ્તાનમાં સરકારની સ્થિતિ એવી છે કે સ્પષ્ટતા કરવા જાય ત્યાં પણ પ્રજાના વિરોધનો સામનો કરવો પડે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે વણસેલી છે કે લાઠીચાર્જના બદલે સામ-સામા ફાયરિંગ કરવામાં આવે છે, પરંતુ દુનિયાની મહાસત્તાઓ આંખ આડા કાન કરે છે. પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં સતત વધી રહેલી વિરોધની પરિસ્થિતિ વચ્ચે શાહબાઝ શરીફ સરકારે પ્રજા પ્રત્યે થોડું નરમ વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન સરકારે વિરોધ કરનારાઓના વખાણ જ નથી કર્યા, પણ એમની સાથે વાતચીત કરવા માટે પણ સામેથી હાથ લંબાવી દીધો છે. 

વાતચીતથી વિવાદ ઉકેલવાની વાત
શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક ચૂંટણીસભાના સંબોધનમાં કહ્યું હતું કે, સંયુક્ત આવામી એક્શન કમિટી સાથે જોડાયેલા 99 ટકા લોકો દેશભક્ત છે. જો PoKમાં સરકાર બને છે તો સૌથી પહેલા સંયુક્ત આવામી એક્શિન કમિટીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને એમની માગ પર વાતચીત કરવામાં આવશે. વાતચીતથી વિવાદને ઉકેલી દેવામાં આવશે. સમાધાન કરી દેવામાં આવશે. 

એમનું આ નિવેદન એટલા માટે ચર્ચામાં રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સરકારનું વલણ કડક હતું જે હવે વિરોધ પ્રદર્શનના કારણે નરમ પડ્યું હતું. પાર્ટીએ એવો દાવો કર્યો હતો કે, વિરોધ પ્રદર્શન કરનારાઓ વચ્ચે કેટલાક પ્રતિબંધિત આતંકી સંગઠન તહકીકએ તાલિબાનના લોકો પણ હાજર છે. આ આધાર પર આંદોલન સામે કાર્યવાહીને યોગ્ય ગણવામાં આવી હતી. હવે આ જ પાકિસ્તાન સરકાર આંદોલન સાથે જોડાયેલા લોકોને દેશભક્ત ગણાવી રહી છે. સરકારની રણનીતમાં ફેરફાર થયો છે એ આ વાત પરથી કહી શકાય છે. 

સેંકડો લોકોના મોત અંગે કોઈ સ્પષ્ટતા નહીં
સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ (JAAC) છેલ્લા બે મહિનાથી PoKમાં એક આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. આ સંગઠનમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, વકીલો, ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય સામાજિક જૂથોનો સમાવેશ થાય છે. તેમની મુખ્ય માંગ શરણાર્થીઓ માટે 12 અનામત બેઠકોને નાબૂદ કરવાની છે. JAACનો આરોપ છે કે, આ બેઠકનો ઉપયોગ પસંદગીની સરકાર સ્થાપિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. 

જૂનમાં પ્રાદેશિક સરકારે સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો તીવ્ર બન્યા હતા. JAACનો દાવો છે કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી 40 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સંગઠન વધુમાં દાવો કરે છે કે જૂનના પહેલા અઠવાડિયાથી 400 પ્રદર્શન કરનારાઓએ જીવ ગુમાવ્યા છે.

UNએ પાકિસ્તાનની ચિંતા કરી
એનાથી વિપરીત, પાકિસ્તાન સરકાર આ દાવાઓને ફગાવી દે છે, અને કહે છે કે કોઈ નાગરિક મૃત્યુ પામ્યા નથી. આંદોલન સંબંધિત આંકડા અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે.સંયુક્ત રાષ્ટ્રએ પણ પીઓકેની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તા.7 ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્રે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી અંગે નિષ્પક્ષ તપાસ અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

આ દરમિયાન માનવ અધિકાર સંગઠનોએ પણ હિંસાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. પીઓકેમાં ચૂંટણીનો અંતિમ તબક્કો હજુ થવાનો બાકી છે. સરકારનું બદલાયેલું વલણ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. હવે બધાની નજર તેના પર છે કે શું વાતચીતની ઓફર પરિસ્થિતિને સામાન્ય બનાવશે કે પછી આંદોલન પહેલાની જેમ ચાલુ રહેશે.