Fri Aug 21 2026

Logo

મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે ભારતે ‘સંતુલિત કૂટનીતિ’ અપનાવી, PM મોદીએ પાંચ દેશો સાથે કરી વાત

2026-03-20 11:38:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ વિશ્વ પર અત્યારે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. મધ્યપૂર્વમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને હુમલો કરી રહ્યાં છે તેને 20 દિવસ થઈ ગયાં છે, પરંતુ હજી મામલો શાંત થયો નથી. તેવામાં ઈંધણને લઈને સંકટ સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરી દીધો છે. આ એ દરિયાઈ માર્ગ છે જ્યાથી વિશ્વના દેશો 20 ટકા ઈંધણની આયાત-નિકાસ કરે છે. ભારતમાં પણ એલપીજીને લઈને સંકટ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે ભારત સરકાર કૂટનીતિનો રસ્તો અપનાવી રહી છે. 

કતર, ફ્રાન્સ, જોર્ડન, ઓમાન અને મલેશિયા સાથે કરી વાત

પીએમ મોદીએ માત્ર એક જ દિવસમાં પાંચ દેશોના નેતાઓ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યુદ્ધની સ્થિતિ વચ્ચેપીએમ મોદીએ કતર, ફ્રાન્સ, જોર્ડન, ઓમાન અને મલેશિયાના નેતાનો સાથે ટેલિફોનિક વાત કરી છે. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની નિંદા કરી હતી. પીએમ મોદી દ્વારા યુદ્ધ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા આવે તે માટે સંવાદ અને કૂટનીતિ પર વધારે ભાર આપ્યો છે. 

એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની મોદીએ કરી નિંદા

કતર પર ઈરાને હુમલો કર્યો તેની પીએમ મોદીએ નિંદા કરી હતી. કહ્યું કે, કતરના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થયો તેની ભારત નિંદા કરે છે અને આવી સ્થિતિમાં ભારત કતર સાથે છે તેવો પણ પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કતર બાદ જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાને પોતાના ભાઈ ગણાવ્યાં અને ઈદની શુભકામનાઓ આપી હતી. જોર્ડને ત્યાં ફસાયેલા ભારતીયોની મદદ કરી તે માટે પીએમ મોદીએ આભાર પણ માન્યો હતો. 

મહત્વની વાત છે કે, મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે ભારતમાં વધારે કોઈ સંકટના સર્જાય તે માટે અત્યારે ભારત એવા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે કે, આપણને કોઈને કોઈ રીતે મદદરૂપ થઈ શકે છે. આને પ્રબળ કૂટનીતિ કહી શકાય છે. ભારત કોઈ પણ દેશ સાથે સંબંધો બગાડ્યા વિના જ આગળ વધી રહ્યું છે. એટલા માટે જ માત્ર એક જ દિવસમાં પાંચ દેશો સાથે વાત કરી છે. આ પાંચ દેશો ભારત સાથે કોઈને કોઈ રીતે મુક્ત વેપાર કરી રહ્યાં છે, એટલે કે ભારતને આયાત-નિકાસમાં કોઈ અડચણ ના આવે તે માટે તેમની સાથે શાંતિપૂર્ણ સંબંધો રાખવામાં આવી રહ્યાં છે.