Thu Sep 03 2026

Logo

'મન કી બાત': ગુજરાતના મોનાંક પટેલથી લઈને અમૂલના AI બૂથ સુધી, જાણો PMએ કઈ બાબતો પર આપ્યું ભાર?

2026-02-22 13:01:00
Author: Tejas Rajpara
'મન કી બાત': ગુજરાતના મોનાંક પટેલથી લઈને અમૂલના AI બૂથ સુધી, જાણો PMએ કઈ બાબતો પર આપ્યું ભાર?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 131માં એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ ખાસ એપિસોડમાં પીએમ મોદીએ ભારતની વધતી જતી આધુનિક શક્તિ અને વૈશ્વિક સ્તરે ભારતીયોના પ્રભાવ વિશે ગૌરવ સાથે વાત કરી હતી.

વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં તાજેતરમાં યોજાયેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સમિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સમિટમાં દુનિયાએ ભારતની અદભૂત ક્ષમતાઓ જોઈ છે. ભારતે ત્રણ 'મેડ ઈન ઈન્ડિયા' AI મોડલ્સ લોન્ચ કર્યા છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની સ્વનિર્ભરતા દર્શાવે છે. પીએમ મોદીએ અમૂલના બૂથ પર પ્રદર્શિત AI પ્રોડક્ટના વખાણ કરતા કહ્યું કે, કેવી રીતે 24x7 AI આસિસ્ટન્સ દ્વારા પશુઓની સારવાર અને ડેરી વ્યવસ્થાપનમાં ક્રાંતિ આવી રહી છે. આ ઉપરાંત, પ્રાચીન ગ્રંથો અને હસ્તપ્રતોને આધુનિક પેઢી માટે ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત કરવામાં પણ AI મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

T20 વર્લ્ડ કપ 2026: વિદેશી ટીમોમાં ભારતીય ચહેરાઓ

પીએમ મોદીએ રમતગમત ક્ષેત્રે ભારતની વધતી જતી છાપ વિશે વાત કરતા T20 વર્લ્ડ કપ 2026નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે આજે દુનિયાની અનેક રાષ્ટ્રીય ટીમોમાં ભારતીય મૂળના ખેલાડીઓ શાન વધારી રહ્યા છે. ખાસ કરીને અમેરિકાની ટીમના કેપ્ટન મોનાંક પટેલ, જે ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમમાં રમી ચૂક્યા છે. મુંબઈના સૌરભ અને હરમીત સિંહ તેમજ દિલ્હીના મિલિંદ કુમાર આજે અમેરિકન ક્રિકેટની ઓળખ બન્યા છે. ઓમાનની ટીમમાં પણ જતિંદર સિંહ અને વિનય શુક્લા જેવા ભારતીય મૂળના ખેલાડીઓ મજબૂત કડી સાબિત થઈ રહ્યા છે.

સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડાયેલા વૈશ્વિક ખેલાડીઓ

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે ન્યુઝીલેન્ડ, UAE અને ઇટાલી જેવી ટીમોમાં પણ ભારતીય મૂળના પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની જગ્યા બનાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રમતગમત માત્ર હાર-જીતનો વિષય નથી, પરંતુ તે દેશો અને વિવિધ સંસ્કૃતિઓને જોડવાનું એક સશક્ત માધ્યમ છે. આ ખેલાડીઓ ભલે વિદેશી ટીમો માટે રમતા હોય, પરંતુ તેઓ આજે પણ ભારતીય સંસ્કારો અને મૂલ્યોથી પ્રેરણા લે છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. વિદેશમાં વસતા આ યુવાનો ત્યાંના સ્થાનિક ખેલાડીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ

સંબોધનના અંતિમ ભાગમાં પીએમ મોદીએ આગામી તહેવારો અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂક્યો હતો. તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે ભારતની પ્રગતિમાં દરેક નાગરિકનો ફાળો મહત્વનો છે. ટેકનોલોજી અને રમતગમતની સાથે સાથે આપણે આપણી સંસ્કૃતિ અને પર્યાવરણને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. તેમણે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે 'વોકલ ફોર લોકલ' ના મંત્રને ફરી એકવાર દોહરાવ્યો હતો.