નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં જ એક વેપાર કરાર (બિઝનેસ ડીલ) થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન મૂકીને વખાણ કર્યા છે. ટ્રમ્પે પીએમ મોદીને પોતાના 'સારા મિત્ર' ગણાવ્યા છે.
ગુરુવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે બંને દેશોના વેપાર અને વ્યક્તિગત સંબંધો પર ખુલીને વાત કરી હતી. ટ્રમ્પે જૂના વેપારી સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પહેલાની સરખામણીમાં હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
ટ્રમ્પે કહ્યું, 'વર્ષો સુધી ભારતે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો. તેઓ આપણી વસ્તુઓ પર ભારે ટેક્સ લગાવતા હતા અને પોતે કંઈપણ ચૂકવતા નહોતા. પરંતુ હવે પરિસ્થિતિ આનાથી બિલકુલ બદલાઈ ગઈ છે. હવે આપણે ભારત સાથેના વેપારમાં ઘણો નફો (પૈસા) કમાઈ રહ્યા છીએ.'
પીએમ મોદી સાથેની દોસ્તીના કારણે કામ સરળ બનશે
પહેલાના વ્યાપારિક નુકસાન અને ભારે ટેક્સ વિશે વાત કરવા છતાં, ટ્રમ્પે આગામી સમયમાં ભારત સાથે એક સારા કરારની આશા વ્યક્ત કરી છે. તેમણે આનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના મજબૂત અને અંગત સંબંધોને આપ્યો.
ટ્રમ્પે આગળ કહ્યું, 'આ બધી વાતો પછી પણ આપણે ભારત સાથે એક વેપાર કરાર કરી લઈશું. આવું એટલા માટે છે કારણ કે હું તમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરું છું. તે મારા ખૂબ સારા મિત્ર છે અને અમારે તેમની સાથે ઘણું સારું બને છે. અમારી વચ્ચે ખૂબ જ ઉત્તમ સંબંધો છે.'
સંબંધો વધુ મજબૂત બનશે
ટ્રમ્પના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો વચ્ચે વેપારના મુદ્દાઓ પર ભલે ઉતાર-ચઢાવ આવ્યા હોય, પરંતુ બંને દેશો વચ્ચેની નિકટતા આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. આ સંભવિત વેપાર કરારથી આગામી સમયમાં ભારત અને અમેરિકાના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.