Wed Aug 26 2026

Logo

મોદીની સોનું નહીં ખરીદવાની, પેટ્રોલમાં કરકસરની અપીલ પછી ક્યા શેરો 10 ટકા સુધી તૂટ્યા ?

2026-05-12 10:28:00
Author: Mumbai Samachar Team
મોદીની સોનું નહીં ખરીદવાની, પેટ્રોલમાં કરકસરની અપીલ પછી ક્યા શેરો 10 ટકા સુધી તૂટ્યા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ 11 મેના રોજ જ્વેલરી કંપનીઓના શેર 10% સુધી ગગડી ગયા. પીએમ મોદીએ હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન નાગરિકોને અપીલ કરી  કે તેઓ એક વર્ષ સુધી સોનું ન ખરીદે. આ નિવેદન બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો. સોમવારના કડાકા બાદ મંગળવારે પણ જ્વેલરી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો.જો કે આ ઘટાડો સોમવારના સેશનમાં જોવા મળેલા ઘટાડા જેટલો નહોતો. 

મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ ટાઇટનના શેરમાં અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. કલ્યાણ જવેલર્સના શેરમા 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. સેન્કો ગોલ્ડમાં 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે પીએન ગાડગિલમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. પીસી જ્વેલરમાં અઢી ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ડાયમંડ અને જ્વેલરી કંપની ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ 3.5 ટકાથી વધુના ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળ્યો. અન્ય નાના જ્વેલરી શેરોમાં પણ વેચવાલી જોવા મળી. 

પીએમ મોદીએ શા માટે આવી અપીલ કરી?

હૈદરાબાદમાં એક જાહેર કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે આ અપીલ કરી. સેન્કો ગોલ્ડના સુવંકર સેને જણાવ્યું કે વડાપ્રધાનની ટિપ્પણી પછી એવી સંભાવના વધી ગઈ છે કે સરકાર સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી શકે છે. જો આવું થાય છે, તો સોનાની માગમાં 10% થી 12% સુધીનો ઘટાડો આવી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્વેલરી એસોસિએશનના પ્રતિનિધિઓ મંગળવારે વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.