Tue Jun 16 2026

Logo

G-7 સમિટમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત, 50 સેકન્ડ સુધી હાથ મિલાવ્યા પણ....

Paris   2026-06-16 20:27:00
Author: Devayat Khatana
Article Image

પેરિસઃ ફ્રાન્સના એવિયન-લેસ-બેંસ શહેરમાં આયોજિત 52મા G-7 શિખર સંમેલન વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ મુલાકાત થઈ હતી, જેના દ્રશ્યો પણ હાલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અંદાજે 16 મહિનાના લાંબા સમયગાળા બાદ થયેલી આ મુલાકાતને કૂટનીતિક દ્રષ્ટિએ ખૂબ જ  મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની યજમાનીમાં યોજાયેલી આ સમિટના હોલની અંદર બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ ત્યારે બંનેએ હસીને એકબીજાનું અભિવાદન કર્યું હતું અને અંદાજે 50 સેકન્ડ સુધી વાતચીત કરી હાથ મિલાવ્યા હતા. જોકે, બંને નેતાઓ વચ્ચે અગાઉ જેવી કોઈ વિશેષ ઉષ્મા નહોતી દેખાઈ અને મોટા ભાગે જે રીતે બંને ગળે મળતા જોવા મળે છે તેવું નહોતું જોવા મળ્યું.

સમિટની ફેમિલી ફોટોગ્રાફી વખતે પણ બંને વચ્ચે થોડું અંતર નજરે પડ્યું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો અંગે પણ લોકોએ તર્ક-વિતર્ક કર્યાં હતા. અમુક લોકોએ લખ્યું હતું કે બંને નેતાઓ પહેલા જે રીતે મળતા હતા એ રીત જોવા મળી નહોતી, જ્યારે આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે કોઈ ચર્ચા પણ થઈ નહોતી.

તાજેતરમાં હોર્મુઝ ક્ષેત્રમાં અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા એક હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા, જેના પર ભારતે આકરી  પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ એવું નિવેદન આપ્યું હતું કે હોર્મુઝથી પસાર થતા દેશોએ અમેરિકી નેવીના આદેશોનું પાલન કરવું જોઈએ. આ તણાવપૂર્ણ પૃષ્ઠભૂમિ વચ્ચે બંને દેશના વડાઓ લાંબા સમય બાદ એક મંચ પર સાથે જોવા મળ્યા છે.

જોકે આ સંક્ષિપ્ત મુલાકાત બાદ હવે આવતીકાલે સાંજે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ઔપચારિક દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશોના સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય કૂટનીતિક પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા છે અને G-7 સમિટમાં આ તેમની સતત સાતમી હાજરી છે. સમિટ દરમિયાન પીએમ મોદીનું શિડ્યુલ હાઈ-લેવલ બેઠકોથી વ્યસ્ત રહેવાનું છે. તેઓ આ વૈશ્વિક મંચ પર બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની અને યુએઈ (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે.

આ મહત્વપૂર્ણ મુલાકાતોમાં પરસ્પર સંબંધો મજબૂત કરવા તેમ જ પ્રાદેશિક અને વૈશ્વિક હિતોના મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે. મોડી સાંજે વડા પ્રધાન મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ભવ્ય ગાલા ડિનરમાં વિશ્વના અન્ય નેતાઓ સાથે સહભાગી થશે.