Tue Aug 25 2026

Logo

પશ્વિમ એશિયા સંકટ પર પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું, કહ્યું યુદ્ધનું સમાધાન માત્ર વાતચીતથી શક્ય

2026-03-23 15:54:01
Author: Chandrakant Kanoja
પશ્વિમ એશિયા સંકટ પર પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું, કહ્યું યુદ્ધનું સમાધાન માત્ર વાતચીતથી શક્ય

નવી દિલ્હી : અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ભારત સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. ત્યારે  પીએમ મોદીએ આજે  લોકસભામાં પશ્વિમ એશિયાના યુદ્ધ પર સંબોધન કર્યું  હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત યુદ્ધના લીધે ઉભી થયેલા પડકારોનો સામનો કરી રહ્યું છે.તેમણે કહ્યું કે ભારત માટે તેમના નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું જે યુદ્ધનું સમાધાન માત્ર વાતચીતથી શક્ય છે. 

હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એક જળમાર્ગ નથી પરંતુ ઉર્જા માટે જીવનરેખા

પીએમ મોદીએ સંસદમાં યુદ્ધ દેશ માટે કેમ મહત્વનું છે તે સમજાવતા  જણાવ્યું કે ભારત ક્રુડ ઓઈલ અને ગેસનો 60 ટકા જથ્થો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે અન્ય દેશો પાસેથી મેળવી છે. તેથી હોર્મુઝ સ્ટ્રેટ આપણી માટે માત્ર એક જળમાર્ગ નથી પરંતુ ઉર્જા માટે જીવનરેખા છે. આ ઉપરાંત  ભારત આ યુદ્ધમાં 
સામેલ અને તેનાથી પ્રભાવિત બંને રાષ્ટ્રો સાથે ઊંડા વ્યાપારી સંબંધો ધરાવે છે.  

એક કરોડ ભારતીયો ગલ્ફ દેશોમાં રહે છે અને કામ કરે છે

આ ઉપરાંત  લગભગ એક કરોડ ભારતીયો ગલ્ફ દેશોમાં રહે છે અને કામ કરે છે. આ આપણા પોતાના લોકો છે અને તેમની સલામતી સુનિશ્ચિત કરવી એ અમારી સર્વોચ્ચ જવાબદારી છે.  તેમજ મોટી સંખ્યામાં ભારતીય ખલાસીઓ ગલ્ફ ક્ષેત્રમાં કાર્યરત વેપારી જહાજોમાં સેવા આપે છે. તેમણે કહ્યું આ બધા 
કારણોથી  ભારતની ચિંતાઓ અન્ય રાષ્ટ્રો કરતાં વધુ છે. તેથી સંસદમાંથી એક સંયુક્ત અને સ્પષ્ટ અવાજ સમગ્ર વિશ્વમાં જવો જોઈએ. 

અસરગ્રસ્ત દેશોમાં ભારતીય દૂતાવાસો ચોવીસ કલાક કાર્યરત

પીએમ મોદીએ મધ્ય પૂર્વમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા વિવિધ પગલાંઓની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે  અસરગ્રસ્ત દેશોમાં ભારતીય દૂતાવાસો ચોવીસ કલાક કાર્યરત છે. દરેકને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ભારત અને અસરગ્રસ્ત દેશોમાં ચોવીસ કલાક ઇમરજન્સી હેલ્પલાઇન અને આઉટરીચ સેન્ટરો સ્થાપિત કરવામાં આવ્યા છે. 

 3,75,000 થી વધુ ભારતીયો સુરક્ષિત રીતે દેશ  પરત ફર્યા

પીએમ મોદીએ કહ્યું કે આ  સંઘર્ષ શરૂ થયા બાદ અત્યાર સુધી 3,75,000 થી વધુ ભારતીયો સુરક્ષિત રીતે દેશ  પરત ફર્યા છે. જેમાં એકલા ઈરાનમાંથી  આશરે 1,000 ભારતીયો સુરક્ષિત રીતે તેમના વતન પરત ફર્યા છે. જેમાં 700 થી વધુ તબીબી વિદ્યાર્થીઓ  છે.આ ઉપરાંત દેશના ક્રુડ ઓઈલ અને ગેસ પુરવઠા અંગે બોલતા પીએમ મોદીએ જણાવ્યું કે આ યુદ્ધ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનો પસાર કરાવવા  અત્યંત મુશ્કેલ બની રહ્યું  છે.  જો કે, સરકારે ખાતરી કરી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો જળવાય રહે. 

સૌર ઉર્જા ક્ષમતા  140  ગીગાવોટ સુધી પહોંચી

પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું કે  ભારત છેલ્લા 11 વર્ષથી પશ્ચિમ એશિયામાં સંભવિત સંઘર્ષો અને ત્યારબાદ ઉર્જા સંકટનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યું છે. જેમાં  11  વર્ષ પૂર્વે  દેશની સૌર ઉર્જા ક્ષમતા માત્ર 3  ગીગાવોટ હતી. આજે તે  140  ગીગાવોટ સુધી પહોંચી છે.  દેશભરમાં 40  લાખ  છત પર સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી છે. 

1,500 મેગાવોટ નવી જળવિદ્યુત ક્ષમતા ઉમેરવાની અપેક્ષા

આ ઉપરાંત 'ગોબર-ધન યોજના'  હેઠળ  દેશભરમાં 200 કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ પહેલાથી જ કાર્યરત થઈ ગયા છે.  આ ઉપરાંત 'નાના જળવિદ્યુત વિકાસ યોજના' ને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી આગામી પાંચ વર્ષમાં 1,500 મેગાવોટ નવી જળવિદ્યુત ક્ષમતા ઉમેરવાની અપેક્ષા છે.

હોર્મુઝ સ્ટ્રેટ જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની નાકાબંધી અસ્વીકાર્ય 

પીએમ  મોદીએ જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું  ત્યારથી  ભારતે દરેક પ્લેટફોર્મ પર પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમણે પોતે પશ્ચિમ એશિયાના તમામ મુખ્ય નેતાઓ સાથે વાત કરી છે અને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નાગરિકો પર હુમલા બંધ થવા જોઈએ. તેમજ ઉર્જા અને પરિવહન માળખા પર હુમલા પણ બંધ થવા જોઈએ. વેપારી જહાજો પર હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની નાકાબંધી અસ્વીકાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો એકમાત્ર ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પક્ષો શક્ય તેટલી ઝડપથી શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધે.

દેશની સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવામાં આવી 

વડાપ્રધાન મોદીએ ચેતવણી આપી હતી કે, આવા કટોકટી દરમિયાન, ચોક્કસ તત્વો ઘણીવાર પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. પરિણામે, તમામ કાયદા અમલીકરણ અને સુરક્ષા એજન્સીઓને સતર્ક રાખવામાં આવી છે. દરેક મોરચે સુરક્ષા મજબૂત બનાવવામાં આવી રહી છે. દરિયાકાંઠાની સુરક્ષા, સરહદ સુરક્ષા, સાયબર સુરક્ષા અને વ્યૂહાત્મક સ્થાપનોનું રક્ષણ આ બધામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.