જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિકોણથી આ વર્ષે પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત અત્યંત શુભ અને દુર્લભ સંયોગ લઈને આવી રહી છે. પંચાંગ અનુસાર, 26મી સપ્ટેમ્બર, 2026ના રોજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. આ જ દિવસે બુદ્ધિ, વેપાર અને સંવાદના કારક ગ્રહ બુધ પોતાની કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિ માં પ્રવેશ કરશે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
તુલા રાશિમાં ધન અને સમૃદ્ધિના સ્વામી શુક્ર પહેલાથી જ બિરાજમાન છે. આથી 26મી સપ્ટેમ્બરે બુધ અને શુક્રની યુતિ થતાં જ્યોતિષશાસ્ત્રનો સૌથી શુભ ગણાતો 'લક્ષ્મી-નારાયણ રાજયોગ' રચાશે. પિતૃ પક્ષની શરૂઆતે બનતો આ મહાયોગ ચાર મુખ્ય રાશિઓના જાતકો માટે સુવર્ણ સમય લાવશે અને અટકેલા આર્થિક કાર્યોને ગતિ આપશે. આ ચાર ભાગ્યશાળી રાશિઓ પર લક્ષ્મી-નારાયણ યોગની અસર...
તુલા:
તુલા રાશિના જાતકો માટે બુધ પોતાની રાશિ એટલે કે પ્રથમ (લગ્ન) ભાવમાં ગોચર કરશે, જ્યાં શુક્ર પહેલેથી હાજર છે. તમારા વ્યક્તિત્વમાં અદભુત નિખાર આવશે અને આત્મવિશ્વાસ વધશે. નવી વ્યવસાયિક ડીલ ફાઈનલ થશે અને અટકેલા કામ પૂરાં થશે. તમારી વાણીની અસરથી કાર્યક્ષેત્રે માન-પ્રતિષ્ઠા અને પદમાં વધારો થશે.
મિથુન:
મિથુન રાશિના જાતકોની કુંડળીના પાંચમા ભાવ (બુદ્ધિ, સંતાન અને શિક્ષણ)માં બુધ પ્રવેશ કરશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને મોટી સફળતા મળશે. શેરબજાર, સંશોધન, મીડિયા કે લેખન ક્ષેત્રે જોડાયેલા લોકોને અપેક્ષા કરતાં બમણો આર્થિક નફો થઈ શકે છે.
મકર:
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. આ સમયે તમારા દસમા ભાવ (કર્મ અને કરિયર)માં લક્ષ્મી-નારાયણ યોગનું નિર્માણ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારવધારાના સારા સમાચાર મળશે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને મનપસંદ ઓફર મળી શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત જૂના વિવાદોનો સુખદ અંત આવશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે ગ્રહોના રાજકુમાર બુધ તમારા નવમા ભાવ (ભાગ્ય સ્થાન)માં પ્રવેશ કરશે, જેનાથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની મામલાઓ ઉકેલાશે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. વિદેશ યાત્રા કે લાંબા અંતરની મુસાફરીથી મોટો આર્થિક ફાયદો થવાના યોગ છે.