Sun May 03 2026

Logo

પાકિસ્તાની હોકી ટીમની કંગાળ હાલત: ખેલાડીઓએ વાસણો માંજવા પડ્યા, કેપ્ટને ખોલી પોલ

Pakistan   2026-02-18 16:11:00
Author: Savan Zalariya
Article Image

હાલમાં ઓસ્ટ્રેલિયામાં FIH પ્રો લીગ 2025-26 ચાલી રહી છે, પાકિસ્તાને પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, ટીમને તમામ 8 મેચમાં હાર મળી અને ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ. ફિલ્ડમાં નબળા પ્રદર્શન ઉપરાંત પાકિસ્તાન હોકી ટીમ વધુ એક કારણે ચર્ચામાં છે. પાકિસ્તાન હોકી ટીમના કેપ્ટન શકીલ અમ્મદ બટ્ટે પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) પર અવ્યવસ્થાનાં ગંભીર આરોપો લગાવ્યા છે, આ મામલો વડાપ્રધાન સુધી પહોંચ્યો છે.

ઓસ્ટ્રેલીયાથી પરત ફર્યા બાદ લાહોર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાન હોકી ટીમના કેપ્ટન શકીલ અમ્મદ બટ્ટે દાવો કર્યો કે પાકિસ્તાનના ખેલાડીઓને મેચ રમતા પહેલા હોટેલમાં રસોડું સાફ કરવું પડતું હતું અને વાસણો ધોવા પડતા હતા. તેમણે કહ્યું. “આવી સ્થિતિમાં તમે ખેલાડીઓ પાસેથી કેવા પ્રદર્શનની આશા રાખી શકો છો?"

ખેલાડીઓને હોટેલ ના મળી:
બટ્ટે નારાજગી દર્શાવતા કહ્યું કે વર્તમાન મેનેજમેન્ટ સાથે કામ કરવું અશક્ય છે. પાકિસ્તાનના ખેલાડીઓ ઓસ્ટ્રેલીયાના સિડની પહોંચ્યા, ત્યારે જાણવા મળ્યું કે હોટેલમાં તેમનું બુકિંગ થઇ શક્યું નથી, કેમ કે  એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યું નથી. ખેલાડીઓએ એરપોર્ટ પર 13-14 કલાક રાહ જોવી પડી હતી, ત્યાર બાદ તેમને હોટેલ મળી હતી.

બીજા જ દિવસે પાકિસ્તાનની ટીમેં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની હતી, જેમાં પાકિસ્તાનને 2-3થી હાર મળી.

ખેલાડીઓ પર ચુપ રહેવા દબાણ:
શકીલ અમ્મદ બટ્ટે ખુલાસો કર્યો કે ટીમ 13 દિવસ માટે રહેવાનું હતું, પણ માત્ર 10 દિવસ માટે બુકિંગ કરવામાં આવ્યું હતું. બાદ ખેલાડીઓને સસ્તી હોટેલમાં શિફ્ટ થાવું પડ્યું હતું. બટ્ટે એવો પણ આરોપ ખેલાડીઓને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ મીડિયા સાથે વાત ન કરે.  

મામલો વડાપ્રધાન સુધી પહોંચ્યો:
પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડે જણાવ્યું કે તેણે ટીમનાં હોટલમાં રોકાણ માટે 1 કરોડ પાકિસ્તાની રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે.

આ અવ્યવસ્થાનો મુદ્દો પાકિસ્તાનના વડાપ્રધાન સુધી પહોંચ્યો છે, પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડના ડિરેક્ટર જનરલ નૂર ઉસ સબાહએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ વડા પ્રધાન શાહબાઝ શરીફને સુપરત કરવામાં આવશે.