Thu Aug 20 2026

Logo

પાકિસ્તાન હોકીમાં ભૂકંપ: ખેલાડીઓએ વાસણો માંજવા પડ્યા, અધ્યક્ષે રાજીનામું આપ્યું

karachi   2026-02-19 18:05:53
Author: Mumbai Samachar Team
Article Image

એક સમયે વિશ્વ હોકીમાં દબદબો ધરાવતી પાકિસ્તાની હોકી ટીમ અત્યારે ઈતિહાસના સૌથી ખરાબ વહીવટી સંકટમાંથી પસાર થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ખેલાડીઓ સાથે થયેલા ગેરવર્તન અને અસુવિધાઓના ગંભીર આક્ષેપો બાદ પાકિસ્તાન હોકી ફેડરેશનમાં મોટો ભડકો થયો છે. ટીમની દુર્દશા અને કેપ્ટનના ચોંકાવનારા ખુલાસા બાદ ફેડરેશનના અધ્યક્ષ તારિક બુગતીએ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ કેપ્ટન શકીલ અમ્માદ બટે મીડિયા સમક્ષ પાકિસ્તાની હોકીની વરવી વાસ્તવિકતા રજૂ કરી હતી. શકીલે આક્ષેપ કર્યો હતો કે સિડની એરપોર્ટ પર ટીમને 13-14 કલાક સુધી રઝળવું પડ્યું હતું. એટલું જ નહીં, હોટેલનું પેમેન્ટ ન થયું હોવાને કારણે ખેલાડીઓને રહેવા માટે ભટકવું પડ્યું હતું. સૌથી શરમજનક બાબત એ હતી કે મેચ પહેલા ખેલાડીઓએ પોતે કિચન સાફ કરવું પડ્યું હતું અને વાસણો પણ માંજવા પડ્યા હતા. કેપ્ટને સવાલ ઉઠાવ્યો હતો કે આવી સ્થિતિમાં ખેલાડીઓ મેદાન પર કેવું પ્રદર્શન કરી શકે?

રાજીનામું આપ્યા બાદ તારિક બુગતીએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસીમ મુનીરને આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અપીલ કરી છે. બીજી તરફ, પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ (PSB) એ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે તેમણે હોટેલ અને અન્ય વ્યવસ્થાઓ માટે ફેડરેશનને 1 કરોડ પાકિસ્તાની રૂપિયાથી વધુની રકમ ફાળવી હતી. છતાં ખેલાડીઓને હાલાકી કેમ ભોગવવી પડી, તે હવે તપાસનો વિષય બન્યો છે.

વહીવટી અંધાધૂંધીની સીધી અસર ટીમના પ્રદર્શન પર પણ જોવા મળી હતી. આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવી ટીમો સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખેલાડીઓને મીડિયા સાથે વાત ન કરવા માટે પણ ધમકાવવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. હવે જ્યારે વડાપ્રધાને તપાસના આદેશ આપ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે શું દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે અને શું પાકિસ્તાની હોકી ફરી ક્યારેય પોતાનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવી શકશે?