Sat Sep 05 2026

Logo

પાકિસ્તાનમાં આજે રાત્રે 8 કલાકથી લોકડાઉન, શહબાઝ શરીફે કરી જાહેરાત

Lahore   2026-04-07 14:01:00
Author: Mayur Patel
પાકિસ્તાનમાં આજે રાત્રે 8 કલાકથી લોકડાઉન, શહબાઝ શરીફે કરી જાહેરાત

લાહોરઃ ઈરાને હોર્મુઝની ખાડીમાંથી જહાજો પસાર થવા પર લગાવેલા પ્રતિબંધથી  અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલની અછત ઉભી થઈ છે.  જેની અસર ભારતના પડોશી દેશ પાકિસ્તાન પર પણ થઈ છે. પાકિસ્તાને સ્માર્ટ લોકડાઉન લગાવ્યું છે. વડાપ્રધાન શહબાઝ શરીફે મુખ્યપ્રધાનો સાથેની બેઠક બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો.

શહબાઝ સરકારી પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાન, ઈસ્લામાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન તથા પીઓકેમાં માર્કેટ, શોપિંગ મોલ અને બિઝનેસ એકમોને રાત્રે 8 કલાકથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ઈસ્લામાબાદમાં શહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પેટ્રોલિયમ ઉત્પાદન સંબંધિત ઉર્જા બચત અને ઓછામાં ઓછા ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

શહબાઝ સરકારે પ્રાંતીય સરકારની સલાહથી એવો પણ નિર્ણય લીધો છે કે ખૈબર પખ્તૂનખ્વાના ડિવિઝનલ હેડક્વાર્ટરમાં બજારો અને શોપિંગ મોલ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેવી જ રીતે, તમામ જનરલ સ્ટોર, ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને તમામ પ્રકારના મોલ રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે.


મેડિકલ અને ફાર્મસી પર પ્રતિબંધ નથી

આ ઉપરાંત, બેકરી, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની અન્ય દુકાનો, મેરેજ હોલ, ટેન્ટ અને અન્ય વ્યવસાયિક સ્થળો, જ્યાં લગ્ન અને અન્ય સમારોહનું આયોજન થાય છે, તે રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવશે. બેઠકમાં ખાનગી મિલકતો અને ઘરોમાં પણ રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારોહ યોજવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે, આ પ્રતિબંધોમાંથી મેડિકલ સ્ટોર અને ફાર્મસીને મુક્ત રાખવામાં આવ્યા છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રતિબંધો મંગળવારથી જ લાગુ કરી દેવામાં આવશે, એટલે કે આજે રાત્રે આઠ વાગ્યાથી પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન અમલી બનશે.

શહબાઝ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કર્યું

શહબાઝ શરીફે જાહેરાત કરી છે કે ગિલગિટ અને મુઝફ્ફરાબાદ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ એક મહિના સુધી મફત રહેશે અને તેનો સંપૂર્ણ ખર્ચ શહબાઝ સરકાર ઉઠાવશે.  

ઉલ્લેખનીય છે કે ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા યુદ્ધથી સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ ઉભું થયું છે. દક્ષિણ એશિયાના દેશોમાં ઈંધણની કિંમત વધવાથી અને પુરવઠો ઓછો હોવાથી લાખો લોકોનું જીનવ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.  પાકિસ્તાનમાં ઈંધણનો ભાવ દક્ષિણ એશિયામાં સૌથી વધારે છે. પેટ્રોલની કિંમત 458-460 પાકિસ્તાની રૂપિયા અને ડીઝલની કિંમત 500-520 પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી છે.