જેરૂસલેમ/ ઇસ્લામાબાદઃ પાકિસ્તાન દ્વારા ઇઝરાયલ વિરૂદ્ધ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેને લઈને ઇઝરાયલે પાકિસ્તાનના રક્ષા પ્રધાનને જોરદાર ફટકાર લગાવી હતી. પાકિસ્તાન દ્વારા ઇઝરાયલને લઈને એક આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જેનો ઇઝરાયલે ધારદાર જબાવ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ દ્વારા એવું જાણવા મળ્યું છે કે, હવે પાકિસ્તાન રક્ષા પ્રધાને ઇઝરાયલ વિરૂદ્ધ કરેલી પોસ્ટને સોશિયલ મીડિયામાંથી હટાવી દીધી છે. ઇઝરાયલ સામે જે પણ દેશ બોલવાનો પ્રયત્ન કરે છે તેને ઇઝરાયલ જવાબ આપે છે. તેવામાં હવે પાકિસ્તાન પણ ઇઝરાયલથી ડરી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
પાકિસ્તાનના નિવેદન બાદ ઇઝરાયલ ભડક્યું
વિગતે વાત કરવામાં આવે તો, શાંતિની વાતો કરતા પાકિસ્તાને ઇઝરાયલને નરસંહાર કરતું રાષ્ટ્ર ગણાવ્યું હોવાના કારણે ઇઝરાયલ ભડક્યું હતું. પાકિસ્તાન રક્ષા પ્રધાન આસિફે કહ્યું કે, ઇઝરાયલ નિર્દોષ નાગરિકોને મારી રહ્યું છે, પહેલા ગાઝામાં, પછી ઈરાનમાં અને હવે લેબનોનમાં નરસંહાર સતત ચાલી રહ્યો છે. હું આશા અને પ્રાર્થના કરું છે કે, જે લોકોએ યુરોપિયન યહુદિયોથી છુટકારો લેવા માટે પેલેસ્ટિનિયન જમીન પર આવા કેન્સર જેવા રાજ્યની સ્થાપના કરી તેમને નરક મળે!
પાકિસ્તાન રક્ષા પ્રધાન આસિફે આ પોસ્ટ કરી ત્યાર બાદ ઇઝરાયલી રક્ષા પ્રધાન અને પીએમઓ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો અને પાકિસ્તાનની નિંદા કરવામાં આવી હતી. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે પાકિસ્તાનના નિવેદનને અસહ્ય ગણાવ્યું હતું. આ દરમિયાન ઇઝરાયલી વિદેશ પ્રધાને આકરા પ્રહારો શરૂ કર્યા અને કહ્યું હતું કે આસિફની ટિપ્પણી વિનાશ માટે હાકલ કરે છે.
ઇઝરાયલી વિદેશ પ્રધાને પાકિસ્તાનને આવો જવાબ આપ્યો
પાકિસ્તાનને વળતો જવાબ આપતા ઇઝરાયલી વિદેશ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, યહૂદી રાજ્યને 'કેન્સર જેવું' ગણાવવું એ વાસ્તવમાં તેના સંપૂર્ણ વિનાશનું આહ્વાન છે. ઇઝરાયલ તે આતંકવાદીઓ સામે પોતાનો બચાવ કરશે જેમણે તેનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આવી ધમકી મળી હોવાના કારણે પાકિસ્તાન ડરી ગયું અને પાક વિદેશ પ્રધાને પોસ્ટને સોશિયલ મીડિયામાંથી હટાવી પણ દીધી છે.