Wed Sep 09 2026

Logo

પાકિસ્તાનના રક્ષા પ્રધાને અફઘાનિસ્તાન સાથે ઓપન વોરની કરી જાહેરાત

Islamabad   2026-02-27 09:09:00
Author: Vimal Prajapati
પાકિસ્તાનના રક્ષા પ્રધાને અફઘાનિસ્તાન સાથે ઓપન વોરની કરી જાહેરાત


ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે અત્યારે સ્થિતિ વધારે વિકટ બની ગઈ છે. પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ અને કંધાર શહેર પર હવાઈ હુમલો કર્યો હતો. અફઘાન સરકારે પાકિસ્તાનની કેટલીક ચોકીઓને નષ્ટ કર્યાના દાવા વચ્ચે પાકિસ્તાન દ્વારા આ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, હવે પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે અફઘાનિસ્થાન સાથે યુદ્ધની જાહેરાત કરી દીધી છે, જેથી કોઈ પણ સમયે મોટો હુમલો થઈ શકે છે.

મોહસીન નકવીએ આને માત્ર જવાબી હુમલો ગણાવ્યો

પાકિસ્તાન દ્વારા ઓપન વોરની જાહેરાત કરવામાં આવતા અફઘાનિસ્તાને પણ યુદ્ધની તૈયારી દેખાડી છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાને યુદ્ધની જાહેરાત કરી છે, આ સાથે પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે પણ પાકિસ્તાને કરેલા હુમલાની પુષ્ટી કરી છે. વઘારે વિગતે વાત કરવામાં આવે તો, પાકિસ્તાને કરેલા આ હુમલાને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ માત્ર જવાબી હુમલો ગણાવ્યો છે. તાલિબાનની આક્રામકતાનો પાકિસ્તાને જવાબ આપ્યો છે તેવી વાત પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ કરી છે.

કોને કેટલું નુકસાન થયું?

અફઘાનિસ્તાનના કાબુલમાં સતત બે કલાક સુધી લડાકુ વિમાનોનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ અને ગોળીઓનો અવાજ પણ સંભળાયો હતો. પાકિસ્તાન દ્વારા જે શહેર પર હુમલો કરવામાં આવ્યો છે, તે શહેરને તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબાતુલ્લાહ અખુંદજદાનો ગઠ માનવામાં આવશે. જેથી બની શકે કે અફઘાન તાલિબાન દ્વારા પણ મોટો હુમલો કરવામાં આવે! પાકિસ્તાને યુદ્ધની જાહેરાત કરી છે એટલે તાલિબાન પણ હુમલાની તૈયારી કરી શકે છે. બંને દેશો વચ્ચે છેલ્લા ઘણાં સમયથી તણાવપૂર્ણ માહોલ છે, અનેક વખત હુમલાઓ થયાં છે. નુકસાનની વાત કરવામાં આવે તો, પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાના કારણે અફઘાનિસ્તાનમાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું તાલિબાન સરકારના પ્રવક્તા જાબિહુલ્લાહ મુઝાહિદે કહ્યું છે. જો કે, જમીની સંઘર્ષમાં અફઘાનિસ્તાનના 8 સૈનિકોના મોત થયાં છે. હવે જોવાનું એ રહે છે કે, અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાનને કેવો જવાબ આપવામાં આવે છે.