Thu Sep 03 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરશે પાકિસ્તાન?, વિદેશ પ્રધાનના સૂર બદલાયા, જાણો ઈસ્લામાબાદનો નવો દાવ

Karachi   2026-03-26 19:28:36
Author: Mumbai Samachar Team
અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરશે પાકિસ્તાન?, વિદેશ પ્રધાનના સૂર બદલાયા, જાણો ઈસ્લામાબાદનો નવો દાવ

કરાચી/ વોશિંગ્ટન ડીસી: વિશ્વ આખું જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ભીષણ જંગના પરિણામો ભોગવી રહ્યું છે, ત્યારે પાકિસ્તાને એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે સંકેત આપ્યા છે કે પડદા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે ગંભીર મધ્યસ્થતા ચાલી રહી છે. આ વાટાઘાટોમાં પાકિસ્તાન એક મહત્વની કડી તરીકે ઉભરી આવ્યું છે અને બંને દેશો વચ્ચેના સંદેશાઓની આપ-લે કરી રહ્યું છે. જો આ પ્રયાસો સફળ થશે તો પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવી શકે છે.

પાકિસ્તાની વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, અમેરિકાએ શાંતિ સમજૂતી માટે 15 શરતો મુકી છે, જેના પર અત્યારે ઈરાન ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. આ મધ્યસ્થતામાં માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ તુર્કી અને ઇજિપ્ત જેવા દેશો પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. 
નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત સીઝફાયર અને સમજૂતીની વાત કરી રહ્યા છે, જોકે ઈરાન જાહેરમાં આ વાતોને નકારી રહ્યું છે. પાકિસ્તાન આ જટિલ પરિસ્થિતિમાં 'બ્રિજ' બનવા માટે તૈયાર હોવાનું પીએમ શહેબાઝ શરીફે પણ અગાઉ જાહેર કર્યું હતું.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે હાલમાં જ જણાવ્યું હતું કે ઈસ્લામાબાદ આ યુદ્ધના કાયમી ઉકેલ માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર શાહબાઝ શરીફના આ નિવેદનને શેર કરીને મધ્યસ્થતાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. 
જોકે, વોશિંગ્ટન આ પ્રક્રિયામાં સત્તાવાર રીતે સામેલ થશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ, ઈરાન સત્તાવાર સ્તરે કોઈ પણ પ્રકારની વાતચીત ચાલી રહી હોવાનો ઇનકાર કરી રહ્યું છે.

એક તરફ પાકિસ્તાન મધ્યસ્થી બનવાના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાને તેને જોરદાર લપડાક આપી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ પાકિસ્તાનના 'સેલન' નામના જહાજને હોર્મુઝની સામુદ્રધુનીમાં અટકાવી દીધું છે. ઈરાની સત્તાવાળાઓના મતે આ જહાજ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી (Legal Clearance) નહોતી. ઈરાને સ્પષ્ટ ચીમકી આપી છે કે આ વ્યૂહાત્મક માર્ગ પરથી પસાર થતા દરેક જહાજે ઈરાની સત્તાધીશોની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે, જે પાકિસ્તાન માટે શરમજનક સ્થિતિ સાબિત થઈ છે.