શ્રીનગરઃ કાશ્મીરના પુલવામામાં રહેતા ઓવૈસ યાકૂબ નામના મિક્સ્ડ માર્શલ આર્ટસ (એમએમએ) ફાઇટરે બલ્ગેરિયાના ડેલ્યાન જ્યોર્ગિવને હરાવીને દેશને ગૌરવ અપાવ્યું અને મંગળવારે તે પાછો આવ્યો ત્યારે પુલવામામાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાકૂબે સ્વદેશ પાછા આવ્યા બાદ કહ્યું, `સૌથી પહેલાં હું ભારતનો આભાર માનું છું. આજે માત્ર આ વિસ્તાર જ નહીં, પણ સમગ્ર ભારત દેશ મારી જીત સેલિબે્રટ કરી રહ્યો છે.'
યાકૂબ સામે પરાજિત થનાર જ્યોર્ગિવ આઇએમએમએએનો વર્લ્ડ ચૅમ્પિયન છે. યાકૂબે પત્રકારોને કહ્યું, `આખું ભારત મારી જીતની ઉજવણી કરે છે એવું મને લાગી રહ્યું છે. આ દેશમાંથી ઘણાએ મને આ મુકાબલા માટે નૈતિક ટેકો આપ્યો હતો. 16 લાખથી પણ વધુ લોકોએ મારી આ ફાઇટ ટીવી અને ઍપ પર લાઇવ જોઈ હતી.'
28 વર્ષના યાકૂબે રશિયાના ચૅમ્પિયન ફાઇટરો પાસેથી તાલીમ લીધી હતી. તેની હવે પછીની ફાઇટ ઇસ્તંબુલમાં છે. આ મુકાબલો આ મહિનાના અંતમાં યોજાશે.
યાકૂબે કહ્યું, `હું ભારતથી ગયો ત્યારે મને ઈજાને લીધે ખભો અને પગમાં ખૂબ દુખાવો હતો. જોકે હું મુકાબલાના સ્થળે પહોંચ્યો ત્યારે મને તાવ પણ આવ્યો હતો. જોકે મેં મારા મુકાબલા પરથી ધ્યાન નહોતું હટાવ્યું અને જીતીને રહ્યો.'