અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં 10 કે તેથી વધુ શ્રમિક ધરાવતા કારખાના, ફેક્ટરી, કન્સ્ટ્રક્શન સાઈટ્સ તેમજ ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમોએ હવે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ 2020 હેઠળ રાજ્ય સરકારના શ્રમ સેતુ પોર્ટલ પર ફરજિયાતપણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નવા શ્રમ કાયદાના અમલીકરણના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. આ નવો કોડ અને ગુજરાત ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન રૂલ્સ, 2025 તારીખ 21 નવેમ્બર, 2025થી અમલમાં આવ્યા છે. ગુજરાત સરકારે 25 ઓગસ્ટથી નોંધણી પ્રક્રિયા માટે શ્રમ સેતુ પોર્ટલ કાર્યરત કર્યું છે. પાત્રતા ધરાવતા તમામ એકમોએ આ પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
નવા નિયમો મુજબ આ કોડ હેઠળ આવતા નવા એકમોએ પાત્રતા મેળવ્યાના 60 દિવસની અંદર રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે. તેમજ જૂના શ્રમ કાયદા હેઠળ પહેલેથી નોંધાયેલા એકમોને કાયદો અમલમાં આવ્યાની તારીખથી 180 દિવસની અંદર ઓનલાઇન 'ફોર્મ-1' સબમિટ કરીને પોતાની નોંધણી અપડેટ કરવાની મુદત આપવામાં આવી છે. ઉપરાંત આ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માલિક અથવા પેઢીના મુખ્ય વ્યવસાય સ્થળે શ્રમિકો અને ઇન્સ્પેક્ટરો સ્પષ્ટપણે જોઈ શકે તે રીતે ફિઝિકલ અથવા ડિજિટલ સ્વરૂપે પ્રદર્શિત કરવું ફરજિયાત રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રમિકોની સુરક્ષાના ધોરણો અને કાયદાકીય પાલન સુનિશ્ચિત કરવા માટે તમામ પાત્ર એકમોએ નિર્ધારિત સમયમર્યાદામાં શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી પૂર્ણ કરવી જરૂરી છે. સિંગલ ડિજિટલ રજિસ્ટ્રેશન અને ઓછા રજિસ્ટરોથી કાગળનું પુનરાવર્તિત કામ ઘટશે, પરંતુ કંપનીઓએ સમયમર્યાદા ચૂકી ન જવાય તે માટે ઝડપથી પગલાં લેવા પડશે.
ઉલ્લેખનીય છે કે, ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ વ્યવસાયિક સલામતી, સ્વાસ્થ્ય અને કામકાજની સ્થિતિઓને લગતા કેન્દ્ર સરકારના 13 જૂના શ્રમ કાયદાઓને એક જ માળખામાં સમાવિષ્ટ કરે છે. આ નવી વ્યવસ્થાનો હેતુ ડિજિટલ નોંધણી, પ્રમાણિત દસ્તાવેજીકરણ અને એકસમાન નિયમો દ્વારા પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.