જયવંત પંડ્યા
અગાઉ ભારતમાં ખાનગી પેઢીમાં લોકો નોકરી કરતા. શેઠિયા સંસ્કૃતિ હતી. તેમાં ક્યાંક વેઠ હતી તો ક્યાંક અંગત ધ્યાન રખાતું. આથી લોકો નોકરીઓ બદલતા નહીં, શહેર પણ બદલતાં નહીં. વર્ષોનાં વર્ષ એક જ શહેરમાં, એક જ પેઢીમાં નોકરી કરીને જીવન પૂરું કરતા.
કદાચ કારણ એ હતું કે પગાર ભલે સ્તર પ્રમાણે વધતો-ઓછો હોય, પરંતુ નોકરી પર તલવાર લટકતી નહોતી. શેઠિયાને એક ખાનગી પેઢી જ સંભાળવાની હોય ત્યારે તેમણે મર્યાદિત કર્મચારી સંભાળવાનું રહેતું. તેથી તેમની કોઈ તકલીફ હોય તો સાંભળતા પણ ખરા. તેમને દિવાળી જેવા તહેવાર ટાણે બોણી-બોનસ આપીને તેમનો તહેવાર સાચવી લેતા. અંગત કટોકટી વખતે ઉપાડ (એક પ્રકારની લોન કે ઍડ્વાન્સ) આપી દેતા.
કૉર્પોરેટ જગત આવ્યા પછી પગાર વધ્યા, પણ વેઠ ઓર વધી ગઈ. નોકરીના સમય છ કલાકને બદલે દસથી પંદર કલાક થઈ જાય. રજા મળે ન પણ મળે તેવું થઈ ગયું. તમારો ઉપરી બોસ બદલાયા કરે અથવા તમારી નીચેના કર્મચારીઓ છ મહિનામાં જ નોકરી છોડી દે. આવા બધામાં સંનિષ્ઠ કર્મચારી કે અધિકારીનો મરો થાય. 2008ની મંદી, 2020નો કોરોના કાળ કે અત્યારે ચાલે છે તેવો યુદ્ધ કાળ આવે ત્યારે એક ઝાટકે સેંકડો કર્મચારીઓને પિંક સ્લિપ એટલે કે ફરફરિયું પકડાવી દેવામાં આવે કે કાલથી તમારે હવે નથી આવવાનું અથવા તો કોવિડના સમયે થયું હતું તેમ સૅલેરી કટ...!
આપણે ત્યાં કૉર્પોરેટ જગતની સંસ્કૃતિ શેઠિયા સંસ્કૃતિ કરતાં જુદી છે. બૉસની ચમચાગીરી કરો, રોજ સવારે ‘ગુડ મૉર્નિંગ’ના મેસેજ મોકલો, તેમની બધી વાતને વખાણો અને આમ તમે જો બૉસના ડિયર (કે ડાર્લિંગ!) બની જાઓ તો તમે ઓછું કે બરાબર કામ ન કરો તોય ચાલે, મોડા આવો કે વહેલા ચાલ્યા જાઓ તો ચાલે, જ્યારે જોઈએ ત્યારે રજા મેળવી લો...
બીજી પદ્ધતિ છે ડોળની. વચ્ચેથી ગુટલી મારી લો, પણ બૉસ જ્યારે ઑફિસમાં આવવાના હોય ત્યારે તમે ‘કામ’માં વ્યસત દેખાવા જોઈએ. કામ મોડું પડે તે ચાલે, પણ તમે મોડે સુધી (ઓવરટાઇમ) કામ કરતા દેખાવા જોઈએ. જ્યારે બૉસ ટીમ સાથે ચર્ચા કરતા હોય ત્યારે કોઈ સારો અભિપ્રાય વ્યક્ત કરે પરંતુ બૉસને તે પસંદ ન હોય ત્યારે બોસની હામાં હા મેળવી દેવાની.
કૉર્પોરેટ કંપનીના સ્વામીને એટલે કે સીએમડીને કંપનીને ચાર ક્ષેત્ર એટલે કે ઝોનના મૅનેજર અથવા બહુ-બહુ તો 46 મહાનગરો મૅનેજર સાથે કામ કરવાનું હોય એટલે નીચેના કર્મચારીઓની ફરિયાદ સાંભળે પણ કોણ?
કોઈ કહી શકે કે પેઢીના કેસમાં શેઠ પણ ગમે ત્યારે નોકરીએથી કાઢી મૂકતા. કોઈ સારા પગાર નહોતા. વાત સાચી છે, પરંતુ તમે જ વિચારો, પેઢીના સમયમાં અપવાદ સિવાય પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શકતા. આજે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય તો સંતાનો અને એકબીજા સાથે પૂરતો સમય વિતાવી નથી શકતા. પીટીએમ (પેરન્ટ્સ ટીચર્સ મીટિંગ)માં કોણ જશે તેના મુદ્દે યુગલ વચ્ચે ઘર્ષણ થાય છે. પેઢીમાં પુરુષો માટે કોઈ ડ્રેસ કોડ નહોતો, સિવાય કે મિલ હોય તો જુદી વાત છે. કૉર્પોરેટ કંપનીઓમાં? આઇ કાર્ડ સાથે ડ્રેસ કોડ ઇઝ મસ્ટ...હાજરી અંગૂઠો દબાવીને કે આંખ સ્કૅન કરીને પુરાવવાની...
અને હવે તો એટલી કડકાઈ કે રૂમની બહાર કે મુખ્ય દરવાજાની બહાર જવું હોય તો પણ કાર્ડ સ્વેપ-ઘસીને જાય તો બહાર જવા મળે.
પેઢીઓમાં વિશ્વાસનું વાતાવરણ હતું. શેઠને કર્મચારી પર વિશ્વાસ હતો. કર્મચારીને પોતે હનુમાન અને શેઠ શ્રી રામ જેવા લાગતા. વળી વિશ્વાસના વાતાવરણને લીધે કર્મચારીઓ નોકરી નહોતા છોડતા. આજે કૉર્પોરેટ ઑફિસોમાં કર્મચારીઓ ટકીને રહેતા નથી એ કદાચ આજના યુગની વિષમતા છે.
તમાર દાદા-નાના હયાત હોય તો એમને જ પૂછી લઈને નક્કી કરજો કે ગઈ કાલની પેઢી સારી હતી કે આજની કૉર્પોરેટ કંપની?