Thu Jun 18 2026

Logo

તુર્કી પાસે બ્લેક સીમાં ઓઈલ ટેન્કર પર હુમલો; રશિયાથી ઓઈલ લોડ કરી જઈ રહ્યું હતું

Tehran   2026-03-26 14:50:00
Author: Savan Zalariya
Article Image

ઈસ્તાંબુલ: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ દરમિયાન પર્શિયન ગલ્ફમાં કેટલાક ઓઈલ ટેન્કર જહાજો પર હુમલા અહેવાલો મળ્યા હતાં, એવામાં અહેવાલ છે બ્લેક સીમાં પણ એક ઓઈલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો છે. રશિયન ઓઈલ વહન કરી રહેલા તુર્કીની એક કંપની દ્વારા સંચાલિત ઓઈલ ટેન્કર પર અનમેન્ડ સર્ફેસ વ્હીકલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો..

તુર્કીના પરિવહન પ્રધાન અબ્દુલકાદિર ઉરાલોગ્લુએ એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે બ્લેક સીમાં તુર્કી દ્વારા સંચાલિત ઓઈલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું "રશિયાથી ક્રૂડ ઓઇલ લોડ કરીને આવી રહેલા તુર્કીની એક કંપની દ્વારા સંચાલિત વિદેશી ધ્વજવાળા જહાજે મધ્યરાત્રિ પછી અમારા ઇમરજન્સી કોલ સેન્ટરને જાણ કરી કે જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ થયો છે.”

અબ્દુલકાદિર ઉરાલોગ્લુએ જણાવ્યું કે એન્જિન રૂમને ખાસ નિશાન બનાવવામાં આવ્યો હોઈ શકે છે. આ હુમલો ડ્રોન દ્વારા નહીં, પરંતુ વોટર સર્ફેસ અનમેન્ડ વ્હિકલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે જહાજની મદદ માટે જરૂરી યુનિટ્સ મોકલવામાં આવ્ય છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે, સિએરા લિયોન-ફ્લેગ વાળા ટેન્કર પર તુર્કીના દરિયાઈ ક્ષેત્રમાં હુમલો થયો હતો, આ હુમલો બોસ્ફોરસ સ્ટ્રેટથી 30 કિલોમીટરના અંતરે થયો હતો.

આ તુર્કીના દરિયાઈ ક્ષેત્રમાં આ કથિત હુમલો કોણે કર્યો એ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.  

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ગત ડિસેમ્બર મહિનામાં તુર્કીના દરિયાઈ ક્ષેત્રમાં કેટલાક હુમલા કરવામાં આવ્યા હતાં. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ચિંતા વ્યક્ત કરી હતી કે બ્લેક સી રશિયા-યુક્રેન માટે લડાઈ ક્ષેત્ર બની શકે છે.