ભુવનેશ્વર : ઓડિશામાં રૂપિયા 55 લાખનું ઇનામ ધરાવતા વોન્ટેડ માઓવાદી સુકરુએ તેના ચાર સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ માઓવાદીઓ બુધવારે એક સમારોહમાં ઔપચારિક રીતે તેમની શરણાગતિની જાહેરાત કરશે.
AK-47 રાઇફલ સાથે કંધમાલ પોલીસ સમક્ષ આત્મસમર્પણ
આ અંગે મળતી માહિતી મુજબ વોન્ટેડ માઓવાદી કમાન્ડર સુકરુ ઉર્ફે કોશા સોઢી પર પર રૂપિયા 55 લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. તેણે ચાર સાથીઓ અને એક AK-47 રાઇફલ સાથે કંધમાલ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.અધિક પોલીસ મહાનિર્દેશક સંજીવ પાંડાએ પુષ્ટિ કરી છે કે પાંચેય માઓવાદીઓ હવે પોલીસ કસ્ટડીમાં છે. તેઓ આવતીકાલે એક જાહેર કાર્યક્રમમાં ઔપચારિક રીતે તેમના શરણાગતિની જાહેરાત કરશે.
માઓવાદી સુકરુનું જૂથ કંધમાલ જિલ્લામાં સક્રિય હતું
49 વર્ષનો માઓવાદી સુકરુ મલકાનગિરી જિલ્લાનો વતની છે અને પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ની રાજ્ય સમિતિનો સભ્ય હતો. તેને ઓડિશામાં સૌથી વરિષ્ઠ સક્રિય માઓવાદી કમાન્ડર માનવામાં આવતો હતો. તેણે લગભગ 13 બળવાખોરોનું એક નાનું જૂથ પણ બનાવ્યું હતું, જે ખાસ કરીને કંધમાલ જિલ્લામાં સક્રિય હતું.
સુકરુ આત્મસમર્પણ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ હતો
પોલીસે જણાવ્યું હતું કે સુકરુ લાંબા સમયથી આત્મસમર્પણ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ બની ગયો હતો. જેમાં આ વર્ષે જાન્યુઆરી માસમાં આત્મ સમર્પણ કરવા ઈચ્છતા તેના સાથી અન્વેષની હત્યા કરી હતી જ્યારે અન્વેષના મૃતદેહને તેના સાથીઓ શીલા અને જોગેશની મદદથી જંગલમાં દફનાવી દેવામાં આવ્યો હતો.