Thu Sep 03 2026

Logo

OBC ક્રિમી લેયર પર કેન્દ્રને ઝટકો, જુના આદેશ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

2026-09-02 14:35:47
Author: Mumbai Samachar Team
OBC ક્રિમી લેયર પર કેન્દ્રને ઝટકો, જુના આદેશ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

ઓબીસીમાં ક્રીમી લેયરના અનામત સાથે સંબંધિત મામલે સુપ્રીમ કોર્ટનું નવું વલણ સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સ્પષ્ટીકરણ અરજી પર સુનાવણી કરતા બધા પક્ષોને 17 સપ્ટેમ્બર 2026 સુધી પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ આર.મહાદેવનની બેંચે આ મામલે સુનાવણી કરી. દરમ્યાન બેંચે કેન્દ્ર સરકારને કોઇપણ વચગાળાની રાહત આપવા કે પોતાના જુના આદેશના અમલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો.

સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા પોતાના ચુકાદામા એ નક્કી કર્યું હતું કે ઓબીસી ક્રીમી લેયરનું નિર્ધારણ ફક્ત માતા-પિતાની આવક કે માસિક વેતનના આધારે ન કરી શકાય. 

સેલેરીના આધારે અનામતથી વંચિત ન રાખી શકાય- SC

અદાલતે પોતાના આદેશમાં કહ્યું હતું કે આવકની સાથે-સાથે માતા-પિતાના હોદ્દા, તેમની સામાજિક સ્થિતિ અને નોકરીની શ્રેણીને પણ ધોરણ બનાવવું જોઈએ. કોર્ટની આ વ્યવસ્થા મુજબ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, બેંકો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને માત્ર વધુ વેતનના આધારે અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં.

આ નિર્ણયથી UPSC પરીક્ષા 2025 ની પ્રક્રિયા પર અસર- કેન્દ્ર

કેન્દ્ર સરકારના કર્મચારી મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એક સ્પષ્ટતા અરજી દાખલ કરીને આ નિર્ણયને લાગુ કરવામાં આવી રહેલા વ્યવહારિક પડકારોનો અહેવાલ આપ્યો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી UPSC પરીક્ષા 2025 ની પ્રક્રિયા પર અસર પડી રહી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું કે યુપીએસસીના ભલામણ કરાયેલા 958 ઉમેદવારોના સર્વિસ એલોકેશનની પ્રક્રિયા જૂના નિયમો મુજબ ફાઇનલ સ્ટેજમાં હતી. જો આ નિર્ણયને પાછલી તારીખથી (રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ) લાગુ કરવામાં આવે છે, તો આખું મેરિટ લિસ્ટ, કેડર ફાળવણી (જેમ કે IAS, IPS) અને ટ્રેનિંગ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થશે.